અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઝડપી કારની ટક્કરથી CNG ટાંકી ફાટતાં કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં આઝમગઢમાં તહેનાત પોલીસ કોન્સ્ટેબલ જાવેદનો આખો પરિવાર – બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચના દર્દનાક મોત નિપજ્યાં હતા.

CNG ટાંકીમાં બ્લાસ્ટ
અહેવાલો મુજબ, કોન્સ્ટેબલ જાવેદનો પરિવાર કારમાં મઉથી લખનઉ તરફ જઈ રહ્યો હતો. બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર તેમની કારને પાછળથી પૂરઝડપે આવતી અન્ય એક કારે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારની CNG ટાંકી ફાટી ગઈ અને ગણતરીની સેકન્ડોમાં કારમાં ભીષણ આગ લાગી ગઈ.કારમાં ફસાયેલી બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત પાંચ લોકો આગને કારણે દરવાજો ખોલી શક્યા નહોતા અને જીવતા બળી ગયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાંચેય લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું.
પોલીસ તપાસના આદેશ
બારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠીએ આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. અકસ્માત બાદ પોલીસે બંને કારને કબજે લીધી છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માત માત્ર ઓવરસ્પીડને કારણે થયો હતો કે પછી ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું. આ ગમખ્વાર દુર્ઘટનાથી પોલીસ કોન્સ્ટેબલના પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

