નેશનલ પોર્ટલ પર જાણ કર્યા પછી ભોગ બનેલી વ્યક્તિ દ્વારા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવતી હોવાના કિસ્સા વચ્ચે પહેલીવાર સાયબર સેલ દ્વારા નેશનલ પોર્ટલ પરથી મળેલા ડેટાને આધારે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર અને તેના એકાઉન્ટનું હેન્ડલિંગ કરતા ભેજાબાજ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વડોદરા શહેરમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક ખાતામાં ફ્રોડની રકમ જમા થતી હોવાની જુદાજુદા રાજ્યોમાંથી ફરિયાદો મળી હતી.નેશનલ સાયબર પોર્ટલ પર એક જ એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થઇ હોય તેવી ૨૩ ફરિયાદ મળી હતી.જેમાં ૨.૩૦ કરોડના ટ્રાન્જેક્શન થયા હતા.
નેશનલ પોર્ટલ દ્વારા આ એકાઉન્ટની જાણ વડોદરા સાયબર સેલને કરવામાં આવી હતી.જેને આધારે સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે સાયબર સેલના એએસઆઇને ફરિયાદી બનાવી ગુનો દાખલ કર્યો છે.પોલીસે કહ્યું છે કે,હેમંત જાદવે બેન્ક ખાતું ખોલાવીને આખું એકાઉન્ટ વડોદરાના સાગર શાહને હેન્ડલ કરવા આપી દીધું હતું.આ પેટે તેને કમિશન મળ્યું હશે.જેથી હેમંત જાદવ અને સાગર શાહને શોધવા માટે બે ટીમો કામે લાગી છે.બંને પકડાય ત્યારપછી સાગર શાહ કોના સંપર્કમાં હતો અને ૨.૩૦ કરોડની રકમ કેવી રીતે અને કોને પહોંચાડી હતી તેની વિગતો ખૂલશે.

