સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે પર ભારદ ગામના પાટીયા પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ આવી રહેલા કારના ચાલકે ભારદ ગામ નજીકના પુલ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અકસ્માતના આ બનાવમાં કાર પુલ પરથી નીચે ખાબકી હતી. કારમાં સવાર માતા અને પુત્રને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસથી પસાર થતાં વાહન ચાલકો સહિત સ્થાનિકોને થતાં ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત માતા અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી હતી. જોકે, અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

