RAJKOT : સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ

0
52
meetarticle

રાજકોટ, : રાજ્યમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા અંગે બોગસ ખાતાધારકોને શોધવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં જુદી-જુદી બેંકોમાં ખાતા ખોલી નાણાંની ગેરકાયદે હેરફેર કરવાના સંદર્ભમાં વધુ પાંચ ફરિયાદ નોંધી 12 આરોપીઓ સામે ગુના દાખલ કરાયા છે, તો મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આજે વધુ એક ફરિયાદ નોંધી 5 આરોપીને ઝડપી લેવાયા છે. એ જ રીતે, અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડની 36 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવાના 4 ગુના દાખલ થયા છે.જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાની રાહબરી હેઠળ સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં વધુ બે ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરકાર પક્ષે પ્રદીપસિંહ ટેમભા જાડેજા ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ ધારક નીરજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ધાર્મિકભાઇ સુનિલભાઇ શાહ સામે, જ્યારે બીજા ગુનામાં સરફરાજખાન મહોબ્બતખાન પઠાણ, સાહિલ અસ્લમભાઇ કુરેશી અને સુલતાન અલુરા આરબ સામે ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર સીટી બી,ડિવિઝન પોલીસ મથકમાં વધુ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરકાર પક્ષે સોયબભાઇ મકવા ફરીયાદી બન્યા છે અને આરોપી દિલીપસિંહ દોલુભા વાળા, પૂર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા, અને ઇમરાન ખફી સામે, બીજો ગુનો પ્રશાંત દીપકભાઇ ચૌહાણ અને ભાવેશ ગોપાલભાઇ પરમાર સામે, ત્રીજો ગુનો ધવલ અશ્વિનભાઇ તેમજ હર્ષિલ રમેશભાઇ મુંજપરા સામે નોંધવામાં આવ્યો છે. નાણાની ઉચાપત કરનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.

મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા જયપાલસિંહ ઝાલાએ આરોપીઓ યશ મહેશ વાઘડીયા, કમલ જયેશભાઈ રાણપરા, દીપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને વિરલ હિમતભાઈ ઇસલાણીયા એમ 6 વિરૂદ્ધ સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.  આરોપીઓએ મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી આવેલ રૂ 89,79,065  જમા થયેલ અને ચેકથી વિડ્રો કરેલ. 5 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે કે આરોપી વિરલ હિમતભાઈ ઇસલાણીયાની શોધખોળ હાથ ધરાઇ છે.  અમરેલી જિલ્લામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમને પોતાના બેંક ખાતામાં જમા કરાવી, અન્યત્ર ટ્રાન્સફર કરવા બદલ ચાર અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં કુલ રૂ. 36.51 લાખથી વધુની રકમ સગેવગે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમરેલી સિટી પોલીસમાં આરોપી કુલદીપ રમેશભાઈ ભૂવા (રહે. અમરેલી) સામે, લીલીયા પોલીસમાં વિરેન કાંતિભાઈ શેલડીયા (રહે. વાઘણીયા) સામે ફરિયાદ નોંધાવાઇ છે. અમરેલી તાલુકા પોલીસે ચિતલ ગામેથી સાયબર ક્રાઇમ ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા બદલ શૈલેષ રૂગનાથભાઈ કુબાવત (રહે. બાબરા) નામના આરોપીને ઝડપી પાડયો છે. બીજા આરોપી હિતેશ કાળુભાઈ મેર શોધખોળ હાથ ધરાઇ છે. બાબરા પોલીસમાં કૌશિક જયસુખભાઈ કટારીયા (રહે. ખાખરીયા)સામે ગુનો નોંધાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here