તારાપુરના ફતેપુરાથી ગેરકાયદે માટી ખનન કરતા ૮ ડમ્પર ડીટેઇન કરી તારાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવતી વખતે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ઇસરવાડા બ્રિજ પાસે રોકી અપશબ્દો બોલીને ધમકી આપીને બોલાચાલી કરી હતી અને ધક્કામુક્કી કરીને હુમલાનો પ્રયાસ કરીને પિતા પુત્ર ફરાર થઇ ગયા હતા. આ મામલે તારાપુર પોલીસ સ્ટેશનમાં પિતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાઇ છે. ખાણ અને ખનીજ વિભાગે ૨૦ લાખનો દંડ ફટકાર્યો છે.

અધિકારીઓને ધમકી આપીને બોલાચાલી કરીને પિતા અને પુત્ર ફરાર, બંને સામે ફરિયાદ નોંધાઇ
ખાણ અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગ રમેશભાઇ વિરડીયાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યુ કે, ખાણ અને ખનીજ વિભાગની ટીમ તારાપુરના ફતેપુરાથી ગેરકાયદે માટી ખનન કરતા ૮ ડમ્પર ડીટેઇન કરી તારાપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યાં હતા. દરમિયાન ઉંટવાડા ગામના ઘનશ્યામસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રદિપસિંહ ઇકો ગાડીમાં આવીને ડીટેઇન કરેલા ડમ્પરની આગળ ઉભી રાખી દીધી હતી અને ખાણ અને ખનીજ વિભાગના સ્ટાફને રસ્તામાં રોકીને ગાડી કોની છે ખબર છે, ઘનશ્યામસિંહ ઝાલાની છે ગાડી અહીયાથી નહી હટે તેમ કરીને વીડીયોગ્રાફી કરી રહેલા ખાણ અને ખનીજ વિભાગના સિક્યુરિટીને ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘનશ્યામસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઝાલા નાસી છૂટયા હતા. આ મામલે તારાપુર પોલીસ સ્ટેસનમાં ઘનશ્યામસિંહ ઝાલા અને પ્રદિપસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બંનેને પકડવા માટે કવાયત હાથ ધરી છે. આ પકડાયેલા આઠ ડમ્પરનો ૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવામ ળ્યું છે. જેમાં સાત ડમ્પરો દ્વારા દંડ ભરી દેવામાં આવ્યો છે.

