CHOTAUDAIPUR : શુ અલીપુરા ચોકડી પર બ્રિજ બનશે? બોડેલી બ્રિજ કામ શરુ થાય પૂર્વે સ્થાનિક વેપારીઓ નુ કલેક્ટર ને આવેદન

0
52
meetarticle

અલીપુરાથી ઢોકલીયા સુધીના મુખ્ય માર્ગ પર આવેલ રેલવે ક્રોસિંગ (LC-65) ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. આ કામ ઢોકલીયા તરફથી શરૂ કરી જિંદાલ કોમ્પ્લેક્સ આગળ બ્રિજનું ઉતરાણ મુકવાનું આયોજન બનાવવામાં આવ્યું છે. પરંતુ બ્રિજનું ઉતરાણ અલીપુરા ચોકડીથી ફક્ત 250 મીટર જ દૂર આવતું હોવાથી, અહીં પહેલેથી જ જોવા મળતી ભારે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનશે એવી વ્યાપારીઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવાઈ રહી છે.

વ્યાપારીઓનું કહેવું છે કે રેલવે ક્રોસિંગની કારણે થતા લાંબા ટ્રાફિક જામ અને વેઇટિંગની મુશ્કેલી તો આ ઓવરબ્રિજથી હલ થશે, પરંતુ બ્રિજનું ઉતરાણ જ ઘન ટ્રાફિક ધરાવતા અલીપુરા ચોકડીની નજીક હોવાથી મુખ્ય ચોકમાં જ ટ્રાફિકનો દબાણ વધુ વધશે. પરિણામે ક્રોસિંગની અડચણ દૂર થાય છતાં પણ લોકોની દૈનિક મુસાફરીમાં સહજતા નહીં આવે અને હાલની જેમ જ ટ્રાફિકની સમસ્યા યથાવત રહેશે. તેમની દલીલ મુજબ, અલીપુરા ચોકડી પહેલેથી જ નર્મદા કેનલ, ઢોકલીયા, બોડેલી બજાર અને પાવાગઢ તરફ જતા વાહનો માટે મુખ્ય જંકશન છે, જ્યાં હંમેશા ભારે વાહનો, ટ્રકો અને દૈનિક વાહન વ્યવહારનો બોજ રહેતો હોય છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓએ કલેક્ટરને આવેદન પાઠવીને માંગ કરી છે કે માત્ર રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ પૂરતો નથી. જો અલીપુરા ચોકડી પરથી નર્મદા કેનલ સુધી સીધો ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા પાવાગઢની જેમ બાયપાસ માર્ગ વિકસિત કરવામાં આવે તો જ બોડેલીનો લાંબા સમયથી ચાલતો ટ્રાફિક પ્રશ્ન કાયમી ઉકેલી શકાય. તેમની માગ પ્રમાણે, બાયપાસના નિર્માણથી ભારે વાહનવ્યવહાર શહેરના કેન્દ્રમાંથી દૂર થશે અને અલીપુરા ચોકડી સહિત આખા વિસ્તારમાં ટ્રાફિકનો દબાણ મોટા પાયે ઘટી જશે.

સ્થાનિકોએ પણ જણાવ્યું છે કે આજુબાજુના હોસ્પિટલો , સ્કૂલો અને રહેણાંક વિસ્તારોને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનો આયોજન જરૂરી છે. ભવિષ્યમાં વધતા ટ્રાફિકને જોતા સંપૂર્ણ બાયપાસ માર્ગ બોડેલી માટે જીવનરક્ષક સાબિત થઈ શકે. વેપારીઓની આ માંગ પર જિલ્લા તંત્ર શું નિર્ણય કરે તે અંગે હવે સ્થાનિકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
રિપોર્ટર : તોસીફ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here