અલંગ સહિતના ગામોમાં ફરીને ડીમોલેશનની કાર્યવાહી તળાજા ડે.કલેક્ટર દ્વારા હાથ ધરવા કમર કસી છે. સરકારી ખરાબા અને ગૌચરની જમીનો પર થયેલા દબાણોને હટાવવા તંત્ર દ્વારા નોટિસ અપાઇ ચુકી છે તો બીજી તરફ અલંગ સરપંચે શિપ બ્રેકરોએ કરેલ દબાણ સામે કોઇ જ કાર્યવાહી ન થતા રોષ ફેલાયો છે.

તંત્ર દ્વારા ગામના ડિમોલેશનની કાર્યવાહી અટકાવવાની માંગ સાથે અલંગના શ્રમિકો, વેપારીઓ, ગ્રામજનો સોમવારથી સજ્જડ બંધ પાળીને તળાજા સુધી પદયાત્રા યોજીને ડે.કલેક્ટરને આવેદનપત્ર આપવાનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે.વહિવટી તંત્ર દ્વારા સાત માસ પૂર્વે અલંગ મણાર સહિતના વિસ્તારમાં દબાણો દુર કરીને કરોડો રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાઇ હતી. તળાજા ડે.કલેક્ટરે જણાવ્યું હતું કે, ૪૫૯ દબાણકર્તાને નોટિસ અપાઇ છે. આ દબાણકારો પર આગામી તા.૧૭ ને બુધવારથી ડીમોલેશનની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવશે પરંતુ દબાણ કરતા શિપ બ્રેકરોને નોટિસ નહીં અપાતા વ્હાલા દવલાની નીતિ હોવાના આક્ષેપ સાથે વિરોધ ઉઠયો છે. ગામના આ ડીમોલેશનથી બે હજાર જેટલા શ્રમિકો બેઘર થશે. ૩૦૦ જેટલા દુકાનદારો ધંધા વિહોણા થશે. આથી આવતા સોમવારથી અલંગ સંપૂર્ણ બંધ પાળીને તળાજા સુધી પદયાત્રા યોજી આવેદનપત્ર આપી ગાંધી ચિંધ્યા માર્ગે અહીંસક આંદોલનના શ્રીગણેશ કરવા માટેનું આયોજન કરાયું છે. જ્યારે શિપ બ્રેકરની ફરિયાદને લઇ ડે.કલેક્ટરે જી.એમ.બી. ભાડુ વસુલે છે કે નહીં, કોર્ટ કાર્યવાહી સહિતની બાબતે તપાસ કરાશે તેમ જણાવ્યું હતું.
ગામતળ નીમ કરવા 7 મહિના પહેલા માંગણી કરાઇ હતી
મહિલા સરપંચના પતિ રવિરાજસિંહ ગોહિલના દાવા પ્રમાણે અલંગ ગ્રામ પંચાયતના ચોપડે ૨૬૮૭૨ વ્યક્તિ વસવાટ કરે છે તેની સામે ગામનુંક્ષેત્રફળ આશરે ઘણું ઓછું છે. આથી ગામતળ નિમ કરવા માટે ૭ મહિના પહેલા લેખિત માંગણી કરાઇ હોવાનું જણાયું છે.

