વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇ માટે એક બિલને કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં વીમા ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદા ૭૪ ટકા છે જે હવે ૧૦૦ ટકા કરી દેવામાં આવી છે. આ સાથે જ વસતી ગણતરી પ્રક્રિયા માટે રૂ. ૧૧,૭૧૮ કરોડના બજેટને પણ મંજૂર કરાયું છે. વસતી ગણતરી પ્રક્રિયાની શરૂઆત એપ્રીલ ૨૦૨૬ એટલે કે આગામી વર્ષે જ થઇ જશે જે ફેબુ્રઆરી ૨૦૨૭ સુધી ચાલશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરોનું લિસ્ટિંગ અને ગણતરી કરવામાં આવશે જે આગામી વર્ષે એપ્રીલ મહિનાથી શરૂ થશે અને સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી કરાશે, જે ફેબુ્રઆરી ૨૦૨૭માં હાથ ધરાશે. આ સમગ્ર પ્રક્રિયા માટે રૂ. ૧૧,૭૧૮ કરોડ મંજૂર કરાયા છે. શુક્રવારે કેબિનેટની બેઠકમાં અન્ય કેટલાક નિર્ણયો પણ લેવાયા છે.જેમાં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી માટેના બિલનો પણ સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય વીમા સેક્ટરમાં વધુમાં વધુ નાણા લાવવાનો, પ્રતિસ્પર્ધા વધારવાનો, ગ્રાહક સેવાને મજબૂત કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ૧૦૦ ટકા એફડીઆઇથી વીમા ક્ષેત્રમાં બહુ મોટો બદલાવ આવશે. આ શીયાળુ સત્ર દરમિયાન સંસદમાં વીમા કાયદા (સુધારા) બિલ ૨૦૨૫ને રજુ કરવામાં આવી શકે છે. નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં અન્ય કેટલાક સુધારાનો પણ નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલાસિતારમણે આ વર્ષે જ બજેટમાં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઇની જાહેરાત કરી હતી. જેનો હવે અમલ થવા જઇ રહ્યો છે.
વીમા ક્ષેત્રમાં હાલ પણ એફડીઆઇ છે જેણે અત્યાર સુધીમાં ૮૨,૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે. સરકાર બિન-વીમા કંપનીને વીમા કંપનીમાં ભેળવવાની પણ છૂટ અપાશે, સાથે જ પોલિસીહોલ્ડર ફન્ડ તૈયાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ બિલમાં કંપનીના પદોને લઇને પણ કેટલીક જોગવાઇ છે જેમ કે ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર કે સીઇઓ ભારતીય નાગરિક જ રહેશે. વસતી ગણતરીને લઇને જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં હાલ સમગ્ર પ્રક્રિયા માટે રૂ. ૧૧,૭૧૮ કરોડની ફાળવણી, વસતી ગણતરીની સમગ્ર પ્રક્રિયા માટે ૩૦ લાખ લોકોની મદદ લેવામાં આવશે. આ સાથે જ સિવિલ ન્યૂક્લીયર પાવર સેક્ટરમાં ખાનગી રોકાણકારોને તક આપતા બિલને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત ૨૦૪૭ સુધીમાં એટમિક એનર્જી ક્ષમતા વધારીને ૧૦૦ જીડબલ્યુ કરવા માગે છે.

