WORLD : ટ્રમ્પની ધમકીઓની ઐસી-તૈસી: ભારતે નવેમ્બરમાં 5 મહિનાનું રેકોર્ડ 2.6 અબજ યુરોનું રશિયન ક્રૂડ આયાત કર્યું

0
40
meetarticle

ભારતે નવેમ્બર ૨૦૨૫માં રશિયાના ક્રૂડ ઓઈલની આયાત ચાર ટકા વધારતો 2.6 અબજ યુરો સુધી પહોંચી ગઈ હતી, જે પાંચ મહિનામાં સૌથી વધુ છે. ભારતે આ ક્રૂડ ઓઈલને રિફાઈન્ડ કરી તેનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયામાં નિકાસ કર્યો હતો તેમ યુરોપની એક થિંકટેંકે શુક્રવારે દાવો કર્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપના દેશોએ રશિયાના ક્રૂડ ઓઈલની આયાત સામે ભારતને આકરા પ્રતિબંધોની ધમકી આપી હતી. પરંતુ ભારતે આ ધમકીઓની ધરાર અવગણના કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એર (સીઆરઈએ)ના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે રશિયાના ક્રૂડ ઓઈલની ખરીદીની બાબતમાં ભારત નવેમ્બરમાં પણ ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું ખરીદદાર રહ્યું. આ પહેલાં ભારતે ઑક્ટોબરમાં રશિયા પાસેથી ૨.૫ અબજ યુરોની કિંમતનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું.સીઆરઈએએ કહ્યું કે, નવેમ્બર 2025માં રશિયાના ક્રૂડ ઓઈલની કુલ નિકાસમાં 47 ટકા ચીન, 38 ટકા ભારત, છ ટકા તૂર્કીયે અને છ ટકા યુરોપીયન યુનિયનનો હિસ્સો હતો. ભારતે નવેમ્બરમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત ઓક્ટોબરની સરખામણીમાં ચાર ટકા વધારી દીધી હતી, છતાં ભારતની ક્રૂડ ઓઈલની કુલ આયાતનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું હતું. ભારતે છેલ્લા પાંચ મહિનામાં રશિયા પાસેથી નવેમ્બરમાં સૌથી વધુ ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી.

ભારતની ખાનગી કંપની રિલાયન્સે રશિયામાંથી ખરીદેલા સસ્તા ક્રૂડ ઓઈલને રિફાઈન્ડ કરીને ઓસ્ટ્રેલિયામાં 69 ટકા નિકાસ વધારી હતી. આ રિફાઈન્ડ ક્રૂડ ઓઈલની નિકાસ ગુજરાતની જામનગર રિફાઈનરીમાંથી કરાઈ હતી. કેનેડાએ પણ આઠ મહિના પછી પહેલી વખત રશિયન ક્રૂડ ઓઈલમાંથી બનેલા ઈંધણનો પૂરવઠો મેળળ્યો હતો. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાએ હજુ સુધી રશિયન ક્રૂડમાંથી બનેલા ઈંધણની આયાત પર પ્રતિબંધ મૂક્યો નથી.

સીઆરઈએનું માનવું છે કે ડિસેમ્બરમાં પણ ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની ખરીદી વધી શકે છે, કારણ કે રશિયન ક્રૂડ ઓઈલ પર અમેરિકન પ્રતિબંધો લાગુ થતા પહેલાં કેટલાક ક્રૂડ ઓઈલના જહાજો રશિયાથી રવાના થઈ ગયા હતા. 

અમેરિકા અને યુરોપના પ્રતિબંધો પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચપીસીએલ, એચપીસીએલ-મિત્તલ એનર્જી અને મેંગલુરુ રિફાઈન્ડ એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ.એ રશિયન ક્રૂડની આયાત અસ્થાયીરૂપે અટકાવી દીધી છે. જોકે, આઈઓસી જેવી સરકારી કંપનીઓએ હજુ પણ પ્રતિબંધિત ના હોય તેવી રશિયન કંપનીઓ પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખી છે. સીઆરઈએએ કહ્યું કે, નવેમ્બરમાં ખાનગી ઓઈલ કંપનીઓની આયાતમાં આંશિક ઘટાડો થયો હતો, જ્યારે સરકારી ક્રૂડ ઓઈલ કંપનીઓએ રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી ૨૨ ટકા વધારી દીધી હતી.

સીઆરઈએએ કહ્યું કે, નવેમ્બરમાં ભારત અને તૂર્કીયેની છ રિફાઈનરીઓએ 80.7 કરોડ યૂરોના મૂલ્યના રિફાઈન્ડ ઈંધણની નિકાસ કરી, જેમાંથી ૪૬.૫ કરોડ યુરોના ઈંધણની યુરોપીય સંઘ, 11 કરોડ યૂરોની અમેરિકા, 5.1 કરોડ યૂરોની બ્રિટન, 15 કરોડ યુરોની ઓસ્ટ્રેલિયા અને 31 કરોડ યૂરોની કિંમતના ઈંધણની કેનેડામાં નિકાસ કરી હતી. તેમાંથી લગભગ 30.1 કરોડ યૂરોના મૂલ્યના રિફાઈન્ડ ક્રૂડ ઉત્પાદનો રશિયન ક્રૂડમાંથી બન્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here