હાલમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે કલોલમાં રહેતા નિવૃત શિક્ષિકાને પાંચ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠિયાઓ દ્વારા મુંબઈ પોલીસની ઓળખ આપી ખાતામાંથી ૪૭ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવી દીધા હોવાનું બહાર આવ્યું છે. જે અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો ત્રાસ વધી રહ્યો છે અને પોલીસ તેમને પકડવા દોડી રહી છે તેમ છતાં આ સાયબર ગઠિયાઓ ખાસ કરીને વૃદ્ધોને નિશાન બનાવવામાં સફળ થઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રહેતા અને નિવૃત્ત શિક્ષિકા એવા વૃદ્ધાને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવીને રૃપિયા પડાવી લીધા છે. જે સમગ્ર ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે વૃદ્ધાના પતિનું અવસાન થયું છે તેઓ ઘરે એકલા જ રહે છે. ગત ૩ ડિસેમ્બરના રોજ તેઓ ઘરે હતા તે દરમિયાન તેમના મોબાઈલ ઉપર એક અજાણ્યો કોલ આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ ટેલિકોમ વિભાગમાંથી આશિષકુમાર બોલતા હોવાનું જણાવ્યું હતું અને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી મુંબઈમાં સીમકાર્ડ ખરીદવામાં આવ્યું છે. જેનાથી લોકો સાથે ફ્રોડ થતું હોવાથી તમારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું પી.સી.સી સટફિકેટ લેવું પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ કોલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીઓને ટ્રાન્સફર કરાવ્યો હતો અને તેમણે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના ૩૫૮ કરોડના મની લોન્ડરિંગ કેસમાં તમે શંકાસ્પદ છો. તમારા ખાતામાં રૃપિયા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના વોટ્સએપ ઉપર બનાવટી એરેસ્ટ ઓર્ડર અને એફઆઇઆરની સાથે સુપ્રીમ કોર્ટનો સ્ટેમ્પ મારેલો લેટર મોકલ્યો હતો. વૃદ્ધાને વિડીયોકોલ ઉપર સતત નજર કેદ રાખીને અને ધમકીઓ આપી તેમના ખાતામાંથી ૪૭ લાખ રૃપિયા આરટીજીએસ કરાવ્યા હતા.
વધુ દોઢ કરોડ પડાવવા જતા ભાંડો ફૂટી ગયો
૪૭ લાખ પડાવ્યા બાદ પણ સંતોષ ન થતા નકલી સીબીઆઈ ડાયરેક્ટર કરણ શર્માએ વૃધ્ધાને તેમની તમામ ફિક્સ ડિપોઝિટ તોડાવીને વધુ ૧ કરોડ ૫૦ લાખ રૃપિયા જમા કરાવવા દબાણ કર્યું હતું. જેથી વૃધ્ધા બેંકમાં આરટીજીએસ કરવા ગયા ત્યારે બેંક મેનેજરે શંકા જતા પૂછપરછ કરી હતી. મેનેજરે સતર્કતા દાખવી વૃધ્ધાને સમજાવ્યું કે દેશમાં આવા ફ્રોડ ચાલી રહ્યા છે, જેથી તેઓ બચી ગયા હતા અને વધુ રકમ ગુમાવતા અટક્યા હતા.

