કર્ણાટક મુખ્યમંત્રી બનવાને લઈને કોંગેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય એચ.એ. ઇકબાલ હુસૈને કહ્યું કે, ‘નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે.’ રામનગરના ધારાસભ્ય હુસૈને જણાવ્યું હતું કે, ‘સિદ્ધારમૈયાએ શિવકુમાર માટે મુખ્યમંત્રી પદ છોડવું જોઈએ.’

કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ
હુસૈન લાંબા સમયથી માગ કરી રહ્યા છે કે, ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી બનવાની તક આપવી જોઈએ. 99 ટકા શક્યતા છે કે, ડી.કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. આમ 6 કે 9 જાન્યુઆરી આ બે તારીખો છે.’
મુખ્યમંત્રીની ખુરશી માટેનો જંગ
છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટક કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને જંગ ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના સમર્થકો આ મામલે આમને-સામને છે. કોંગ્રેસ હાઈકમાન્ડે દરમિયાનગીરી કર્યા પછી, સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારે તેમનું વલણ ઢીલું કર્યું અને બંને નેતાઓ એકબીજાના ઘરે નાસ્તો કરવા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહેલી ચર્ચાનો હવે બંધ થઈ શકે છે, પરંતુ ધારાસભ્ય હુસૈનના દાવા બાદ કર્ણાટકની રાજનીતિમાં આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધી શકે છે. આ દરમિયાન, રેલવે રાજ્યમંત્રી અને ભાજપના સાંસદ વી. સોમન્નાએ કહ્યું કે, ‘તેઓ મુખ્યમંત્રી પદ માટે ગૃહમંત્રી જી. પરમેશ્વરને ટેકો આપશે.’ તુમકુરુમાં એક કાર્યક્રમમાં બોલતા સોમન્નાએ કહ્યું કે, ‘સત્તા મેળવવી એ નસીબની વાત છે. મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે પરમેશ્વર ફક્ત ગૃહમંત્રી તરીકે જ રહેશે. અમે તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માગીએ છીએ. ફક્ત હું જ નહીં, પરંતુ તુમકુરુના લોકો પણ તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.’

