અમદાવાદ શહેરમાં સાયબર અપરાધીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સાયબર ગઠિયાઓ હવે શિક્ષિત અને નિવૃત્ત અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં નારણપુરા વિસ્તારમાં રહેતા અને બેન્ક ઓફ બરોડામાંથી AGM (આસિસ્ટન્ટ જનરલ મેનેજર) તરીકે નિવૃત્ત થયેલા એક 72 વર્ષીય વૃદ્ધ સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નારણપુરા વિસ્તારમાં રહેતા શ્રેણીક શાહ (ઉ.વ. 72) નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ગત 23 સપ્ટેમ્બર 2025ના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ પર શેરબજારમાં રોકાણ કરવાથી મોટા ફાયદાની લાલચ આપતો એક મેસેજ આવ્યો હતો. સાયબર ઠગોએ તેમનો સંપર્ક સાધીને ‘NHNI(plus)’ અને ‘RARCII’ જેવી બોગસ એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી હતી.

ઠગોએ શરૂઆતમાં વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે નાના રોકાણ પર રૂ. 2,227 નો નફો બતાવ્યો હતો. એટલું જ નહીં, ત્યારબાદના ટ્રેડિંગમાં નફો બતાવીને રૂ. 1,00,000 ની રકમ વૃદ્ધના ખાતામાં પરત જમા પણ કરાવી હતી. આ ચાલાકીથી શ્રેણીકભાઈને ઠગો પર પૂરેપૂરો ભરોસો બેસી ગયો હતો. ત્યારબાદ તેમણે શેરબજાર અને IPOમાં રોકાણ કરવા માટે પોતાના ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ રૂ. 75,18,000 ઠગો દ્વારા અપાયેલા વિવિધ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.
17 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે ફરિયાદીએ એપ્લિકેશનમાં દેખાતા નફા સાથેના 15 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. ઠગોએ બહાનું બનાવ્યું હતું કે આ રકમ IPO સામે એડજસ્ટ થઈ ગઈ છે અને નાણાં પરત મેળવવા માટે વધુ રૂ. 21,01,740 સર્વિસ ફી તરીકે ચૂકવવા પડશે. આ ગંજાવર રકમની માંગણી થતાં વૃદ્ધને પોતાની સાથે મોટી છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.
આ સમગ્ર મામલે શ્રેણીક શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોહી નાબુંદરી અને અદવીકા શર્મા સહિતના શંકાસ્પદ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

