રાષ્ટ્રના એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ૭૫’ મા નિર્વાણ દિન નિમિત્તે આજરોજ તારીખ ૧૫-૧૨-૨૦૨૫ ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી.
સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ
સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
મધ્યાન મહાપૂજન અને શાંતિ અર્થે પ્રાર્થનાઓ
સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સરદાર વલ્લભભાઈ પટેલના દિવંગત આત્માની ચિર શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ અર્થે ભાવનાઓ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.

સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન સ્મરણીય
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને ૭૫’ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સોમનાથના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા અને મહાન સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના એ ઐતિહાસિક શબ્દો યાદ કરવામાં આવ્યા:
”જો સરદાર પટેલ ના હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ જોવા પામી ના હોત.”
સરદાર સાહેબની સોમનાથ પુનઃનિર્માણની અડગ ઈચ્છાશક્તિને કારણે જ આજે સોમનાથનું ભવ્ય ધામ આપણી સમક્ષ ઊભું છે.
સાયં શૃંગાર અને દીપમાલા
આજે સાંજે, સોમનાથ મહાદેવને વિશેષ સાયં શૃંગાર કરવામાં આવશે અને દીપમાલા કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
REPORTER : દિપક જોષી દ્વારા પ્રાચી

