SABARKANTHA : નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત

0
37
meetarticle

નાતાલ અને વર્ષ 2025ના આગમનની આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાબરકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની રેલમછેલ રોકવા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ગાંભોઈ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગાંભોઈ પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ ઘટનામાં 6.50 લાખથી વધુની કિંમતની 2000 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.

પ્રથમ ઘટના: ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી 

ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જે. ગોસ્વામી અને સ્ટાફને બાતમી મળી હતી કે શામળાજી તરફથી એક કાર ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂ ભરી હિંમતનગર તરફ આવી રહી છે. જે આધારે ગાંભોઈ-રણાસણ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી કાર (નં. RJ-27-CN-1994)ને અટકાવી હતી. તલાશી લેતા કારમાંથી રૂ. 4,50,110ની કિંમતની 1047 વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે કારમાં સવાર ભૈરા ધનેશ્વર ડામોર અને મુકેશ કુરીચંદ્ર ભીલની અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂ. 8,56,110નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં તનિષ્ક અને હરસોલના ‘બાપુ’ નામના શખ્સ સામે પણ ગુનો નોંધાયો છે.

બીજી ઘટના: નડિયાદ જતો દારૂ ઝડપાયો 

એ જ જ રીતે, અન્ય એક બાતમીના આધારે પોલીસે શામળાજી તરફથી આવતી કાર (નં. RJ-27-CN-4832)ને અટકાવી તલાશી લીધી હતી. જેમાં પાસ પરમીટ વગરની રૂ. 2,11,200ની કિંમતની 960 દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલીસે રાજેન્દ્રસિંગ પ્રેમસિંગ ચૌહાણની ધરપકડ કરી રૂ. 6,13,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં આ દારૂ નડિયાદના કોઈ અજાણ્યા શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે અજીતમીણા, પ્રભુબદાસ મીણા અને નડિયાદના શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. આમ, તહેવારો ટાણે જ ગાંભોઈ પોલીસે પ્રોહિબિશનની મોટી કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here