સુરતના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માતાના ઘર છોડ્યા બાદ પિતા પણ અચાનક ઘર છોડીને ચાલ્યા જતા 16 વર્ષીય વિદ્યાર્થિનીએ આઘાતમાં આવીને તાપી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પહેલાં તેણે લખેલી એક સ્યુસાઇડ નોટ મળી છે.

મળતી માહિતી મુજબ વરાછાના એ.કે. રોડ સ્થિત રતનજી પાર્કમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા શૈલેષભાઈ મનાણીની પુત્રી દ્રષ્ટિ (ઉ.વ. 16) સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. દ્રષ્ટિ બુધવારે સ્કૂલ પ્રવાસમાં ગઈ હતી અને રવિવારે પરત આવી ત્યારે પિતા ઘરે નહોતા. પિતા લાપતા થતા અને માતા અગાઉથી જ છોડીને ચાલી ગઈ હોવાથી દ્રષ્ટિ ભાંગી પડી હતી.
સોમવારે (15 ડિસેમ્બર) બપોરે દ્રષ્ટિએ ‘હું તાપી નદીમાં ઠેકડો મારું છું’ તેવી ચીઠ્ઠી લખી ફૂલપાડા રેલવે બ્રિજ પર પહોંચી હતી. તેનો મોટો ભાઈ ધ્રિવીન તેને બચાવવા પાછળ દોડ્યો હતો, પરંતુ તે લાચાર બનીને જોતો રહ્યો અને બહેને તેની નજર સામે જ મોતની છલાંગ લગાવી દીધી હતી. માછીમારોએ તેને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ઘટના બાદ સાંજે અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં દ્રષ્ટિના અંતિમ સંસ્કાર વખતે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. તેની અંતિમ યાત્રામાં માતા કે પિતા કોઈ હાજર નહોતું. એકલા ભાઈએ જ બહેનની અર્થી ઉપાડી હતી, જે જોઈ ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી. હાલ વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દ્રષ્ટિએ આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ
At the end…
તમે તમારું ધ્યાન રાખજો. મારી ચિંતા નો કરતા અને પપ્પા પણ મળી જશે. હું કહીશ મારા ઠાકરને એ ગોતી લેશે બરાબર…
ચલો, તમને કોઈ વધારે ચિંતા નથી આપવી, કઈ જ દઉં છું હું તાપીમાં ઠેકડો મારું છું. જો અગર ગોતવી હોય તો ત્યાં જ ગોતજો બાકી નહીં. હું ત્યાં જાઉં છું બરાબર અને કોઈ રોતા નહીં અને યાદ ના કરતા. હું ય કોઈને યાદ નહીં કરું બરાબર… તમે બધા ખુશ રેજો મારું ચિંતા ના કરશો.
અને પપ્પા આવે તો કેજો એને જેની એને બોવ યાદ કરતી હતી. અને એના વગર રહી શકે તેમ ન હતી, એટલે એણે આમ કર્યું….
Bye, Bye, આવજો… મારી ચિંતા ના કરશો. ભાઈ બાને સાચવજે હોને, હવે તું જ એમનો સહારો બનજે અને હું ઉપર જઈશ ને જોઈ કે મારા પપ્પા છે ક્યાં? શોધીશ એમને? મળીશ કે એ ક્યાં છે અને મને મૂકીને કેમ ગયા?
Bye, Bye, Miss you all… યાદ આવશે તમારી અને પપ્પા તમારી ખાસ. ધ્યાન રાખજો તમારું daddy, your girl is always love you….

