GUJARAT : મહીસાગર: સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્યની મનમાની સામે વાલીઓનો હલ્લાબોલ, શાળાને તાળાબંધી

0
58
meetarticle

મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકા હેઠળ આવતી સુકા ટીંબા પ્રાથમિક શાળા ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાઈ છે. શાળાના આચાર્યની અનિયમિતતાથી કંટાળેલા વાલીઓ અને ગ્રામજનોએ આજે આક્રમક વલણ અપનાવી શાળાને તાળાબંધી કરી દીધી હતી. શાળાનો સમય સવારે 10:30 નો હોવા છતાં આચાર્ય બપોરે 12 વાગ્યા સુધી ન આવતા બાળકો અને સ્ટાફને શાળાની બહાર બેસી રહેવાની નોબત આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
સમયસર આવેલા સ્ટાફ અને બાળકો મેદાનમાં ઉભા રહ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, સુકા ટીંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અન્ય 10 જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સવારે નિર્ધારિત સમયે શાળાએ પહોંચી ગયા હતા. જોકે, શાળાની ચાવી આચાર્ય પાસે હોવાથી અને તેઓ 12 વાગ્યા સુધી આવ્યા ન હોવાથી શાળાના શૈક્ષણિક કાર્ય પર અસર પડી હતી. માસૂમ બાળકો કલાકો સુધી શાળાની બહાર મેદાનમાં બેસી રહ્યા હતા, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે આચાર્યના મોડા આવવા બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે અચાનક વોટ્સએપ પર રજાનો રિપોર્ટ મૂકી દીધો હતો. જોકે, રજા પર ઉતરતા પહેલા તેમણે શાળાની ચાવી અન્ય કોઈ સ્ટાફ મેમ્બરને સોંપવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી. આ બાબત આચાર્યની ઘોર બેદરકારી અને મનમાની છતી કરે છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુકા ટીંબા પ્રાથમિક શાળા અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચુકી છે. ગ્રામજનોએ અગાઉ પણ આચાર્યને સમયસર આવવા મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતા આજે અંતે ગ્રામજનોએ શાળાના મુખ્ય દરવાજે તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આચાર્ય જ શિસ્તનું પાલન ન કરતા હોય તો બાળકોના ભવિષ્યનું શું? હાલમાં વાલીઓ અને ગ્રામજનો એક જ માંગ પર અડગ છે કે આ આચાર્યની અહીંથી તાત્કાલિક બદલી કરવામાં આવે અને કોઈ શિસ્તબદ્ધ આચાર્યની નિમણૂક કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા શિક્ષણ વિભાગ આ મામલે કેવા કડક પગલાં ભરશે.

REPOTER : કાનજી ધામોત. મહિસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here