આઈપીએલનાં મિનિ ઓક્શનમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાના યુવા ક્રિકેટર ક્રેન્સ ફૂલેત્રાને હૈદ્રાબાદ સનરાઈઝર્સે પસંદ કરતાં આ પ્રતિભાશાળી લેફ્ટ આર્મ સ્પીનર આઈપીએલમાં મેદાન પર રમતો જોવા મળી શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં માળિયાહાટીનાના પ્રતિભાશાળી ૨૦ વર્ષિય લેફ્ટ આર્મ ડાયનામેન સ્પિનર ક્રેન્સ ભાવેશભાઈ ફૂલેત્રાને રૂા. 30 લાખની બેઈઝ પ્રાઇસમાં ખરીદવામાં આવ્યો છે. તે અગાઉ સૌરાષ્ટ્રની અંડર-14અને બાદમાં અંડર-23ની ટીમમાં સિલેક્ટ થયો હતો. નોંધનીય છે કે તે રણજી ટ્રોફી સુધી પહોંચ્યો નથી પરંતુ થોડા વખત પહેલાં સૌરાષ્ટ્ર પ્રો ટી- 20માં અનમોલ કિંગ્સ હાલાર વતી રમીને 9 ઈનિંગમાં 7ના ઈકોનોમી રેટથી તેણે 10 વિકેટ લીધી હતી અને સારાં પર્ફોર્મન્સને લીધે તેને ઈમર્જિંગ પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટે તેને નેટ બોલર તરીકે હૈદરાબાદ મોકલ્યો હતો અને તે ટીમમાં જ તે પસંદ થયો છે. હાલ તે ગોંડલની એમ.બી. કોલેજમાં કોમર્સમાં અભ્યાસ કરે છે તેમજ રાજકોટના યુનિ. ગ્રાઉન્ડ સહિતમાં ક્રિકેટની પ્રેક્ટીસ કરી રહ્યો છે. તેની આ સિધ્ધિ બદલ માળિયાના સ્ટેશન દરવાજા ચોકમાં ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

