એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ભુજની ટીમે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સફળ ટ્રેપ ગોઠવીને નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી અને મથલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઘનશ્યામભાઇ મનોરભાઇ પટેલને ₹૨,૮૦,૦૦૦/-ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

આ કેસની વિગત મુજબ, ફરિયાદીની કંપનીએ સહકારી મંડળીને માલ સપ્લાય કર્યો હતો, જેના કુલ ₹૭,૫૨,૧૩૨/-ના બિલો મંજૂર કરાવવાના બદલામાં આરોપીએ પોતાના કમિશન પેટે ₹૨,૮૦,૦૦૦/-ની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ભુજમાં જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીના પી.આઈ. એલ.એસ. ચૌધરી અને તેમની ટીમે તેમને દબોચી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

