વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને મહિલા નેતૃત્વ આધારિત વિકાસને વેગ આપવા માટે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા. ૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે આ મેળાનો શુભારંભ કરાશે. “હર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”ના અભિયાન હેઠળ આ મેળામાં ૧૦૦ જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે, જેમાં મહિલા સ્વસહાય જૂથો અને મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા, મિલેટ પ્રોડક્ટ્સ, ગૃહઉદ્યોગની વસ્તુઓ અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ મેળા દરમિયાન ‘લખપતિ દીદી’ અને ‘ડ્રોન દીદી’ જેવી સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવશે તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ‘બાયર-સેલર મીટ’ અને ઈ-કોમર્સ જોડાણ જેવી તકો પણ પૂરી પાડવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

