અંકલેશ્વર તાલુકાના ઉમરવડા ગામમાં જિલ્લા પંચાયત ભરૂચની પશુપાલન શાખા દ્વારા પશુઓના સ્વાસ્થ્યના હિતમાં નિ:શુલ્ક પશુ આરોગ્ય મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

પશુ ચિકિત્સા વિભાગના નિષ્ણાત અધિકારીઓ ડો. દીપ્તિ રાવલ અને ડો. રાજવતી કાંટીયા સહિતની ટીમ દ્વારા ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અને મરઘાંને કૃમિનાશક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પશુઓને સામાન્ય મેડિસિન ઉપરાંત જાતીય આરોગ્ય અને જરૂરી સર્જિકલ સારવાર પણ સ્થળ પર પૂરી પાડવામાં આવી હતી. વિશેષમાં, બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ધ્યાને રાખી પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ કલેક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. સહાયક પશુધન નિરીક્ષકોના સહયોગથી યોજાયેલા આ મેળાનો મોટી સંખ્યામાં પશુપાલકોએ લાભ લીધો હતો.
