મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગુરુવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ખેડૂત પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાની આશંકા છે. બે અલગ-અલગ સ્થળોએથી પતિ-પત્ની અને તેમના બે યુવાન પુત્રોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘરમાં માતા-પિતા, રેલવે ટ્રેક પર પુત્રોના મૃતદેહ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે મુદખેડ તાલુકાના જ્વાલા મુરાર ગામમાં રમેશ સોનાજી લખે (51) અને તેમના પત્ની રાધાબાઈ લખે (45)ના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા.
આ ઘટનાની તપાસ ચાલી રહી હતી ત્યાં જ, તેમના બે પુત્રો ઉમેશ (25) અને બજરંગ (23)ના મૃતદેહો ઘરની નજીક આવેલા રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે બંને ભાઈઓએ ચાલતી ટ્રેન સામે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસ તપાસ અને ફોરેન્સિક ટીમની મદદ
પોલીસ નિરીક્ષક દત્તાત્રેય મંથલેએ જણાવ્યું કે, “માતા-પિતાના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા હતા, જ્યારે પુત્રોએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી હતી. અમે પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી છે. સંપૂર્ણ ટેકનિકલ તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ જ સત્ય બહાર આવશે.”
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ સામુહિક આત્મહત્યાનો મામલો જણાય છે, પરંતુ આ પગલું ભરવા પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. લખે પરિવાર નાના ખેડૂત સમુદાયમાંથી આવતો હતો. પોલીસે આત્મહત્યા પાછળ આર્થિક તંગી કે પછી કોઈ ઘરેલું કંકાસ જેવા કારણો હોવાની શક્યતા નકારી નથી. જોકે, પડોશીઓએ લખે પરિવારને ખૂબ જ મહેનતુ અને સારો ગણાવ્યો હતો.
હાલમાં, નાંદેડ ગ્રામીણ પોલીસ પરિવારના સંબંધીઓના નિવેદન નોંધી રહી છે અને પરિવારે કોઈ સુસાઈડ નોટ કે અંતિમ સંદેશ છોડ્યો છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

