અંકલેશ્વરના યોગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જે.સી.આઈ. અંકલેશ્વર અને અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત ૨૩મા ‘JCI ટ્રેડ એન્ડ ફન ફેર’નો ઝાકઝમાળ પ્રારંભ થયો હતો. આ મેળો આગામી ૨૯ ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે, જેમાં મનોરંજનની સાથે પરોપકારનો ઉમદા હેતુ જોડાયેલો છે.

આ ફન ફેરનું ઉદ્ઘાટન ઝોન પ્રેસિડેન્ટ લલિત બલદાનીયા, મામલતદાર કરણસિંહ રાજપૂત અને એ.આઈ.એ. (AIA) પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ જે.સી.આઈ.ની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
મેળામાં મુલાકાતીઓ માટે વિવિધ પ્રકારના કમર્શિયલ સ્ટોલ્સ, સ્વાદિષ્ટ વાનગીઓના ફૂડ સ્ટોલ અને બાળકોથી લઈને મોટેરાઓ માટે રોમાંચક રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને શિયાળાની ગુલાબી ઠંડીમાં મેળાનો આનંદ માણ્યો હતો.
આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ ફન ફેર દ્વારા જે કંઈ પણ આવક કે ધનરાશિ એકત્ર થશે, તેનો ઉપયોગ જે.સી.આઈ. દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. આમ, અંકલેશ્વરવાસીઓનું મનોરંજન જરૂરિયાતમંદો માટે સહાયરૂપ બનશે.

