વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ની ટીમે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ આરોપીને સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો છે.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનામાં સંડોવાયેલ આરોપી અરવિંદ ઉર્ફે આર્યન જવાનસિંગ ચૌહાણ (ઉ.વ. ૩૨) વર્ષ ૨૦૨૧ થી ફરાર હતો. પોલીસ તેની ધરપકડ કરવા માટે સતત પ્રયત્નશીલ હતી, પરંતુ આરોપી પોતાની ઓળખ અને રહેઠાણ બદલીને ધરપકડથી બચી રહ્યો હતો.
વલસાડ LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આ વોન્ટેડ આરોપી હાલ સેલવાસના સામરવરણી વિસ્તારમાં આવેલી ગાર્ડન સીટીના એક બિલ્ડિંગમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે LCB ની ટીમે તાત્કાલિક સેલવાસ ખાતે ઓપરેશન હાથ ધરી આરોપી અરવિંદ ચૌહાણને તેના નિવાસસ્થાનેથી ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનના રાજસમદ જિલ્લાનો વતની છે. વલસાડ LCB એ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે તેનો કબજો વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

