મહેસાણાના સતલાસણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ભણતાં અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા હતા. આશરે 20થી વધુ વિદ્યાર્થીઓની રાત્રે જમ્યા બાદ અચાનક તબીયત લથડી હતી જેના પગલે સ્કૂલના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

રાત્રે જ હોસ્પિટલ ખસેડાયા
માહિતી અનુસાર 20થી વધુ વિદ્યાર્થીઓને રાતે જમ્યા બાદ ઝાડા, ઉલટી અને ગભરામણની સમસ્યા થતી હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વિશે જાણકારી મળતા વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી.
હાલત સુધારા પર હોવાનો દાવો
આ ઘટના વિશે જાણકારી આપતાં આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે અમને જાણકારી મળતાં જ અમે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં વિદ્યાર્થીઓની હાલત સુધારા પર છે. સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગે આ મામલે સંયુક્તરૂપે તપાસ હાથ ધરી છે.
