ધ્રાંગધ્રા તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા પથ્થર, સફેદ માટી અને રેતીનું ગેરકાયદેસર ખનન ફૂલ્યું-ફાલ્યું છે. ખનીજ સંપત્તિથી સમૃદ્ધ એવા ઇસદ્રા, વાવડી, રાજગઢ, હરીપર અને સત્તાપર જેવા ગામોમાં રાત-દિવસ મોટા પાયે ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્રની મિલીભગત અને રહેમ નજર હેઠળ આ પ્રવૃત્તિ ચાલી રહી છે, જેના કારણે સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે.

ગ્રામજનોએ આ મામલે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે પણ સ્થાનિક લોકો અવાજ ઉઠાવે છે, ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા તેમને ધમકીઓ આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અધિકારીઓ દ્વારા માત્ર ‘સબ સલામત’ હોવાના પોકળ દાવા કરવામાં આવતા હોવાથી લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.આ ગેરકાયદે ખનનથી માત્ર પર્યાવરણને જ નુકસાન નથી થઈ રહ્યું, પરંતુ સ્થાનિક ખેતી અને જનજીવન પર પણ માઠી અસરો પડી રહી છે. ઉંડા ખાડાઓ અને ધૂળના કારણે ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. વિસ્તારના રહીશોએ હવે તાત્કાલિક અસરથી આ ખનન બંધ કરાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસની માંગ કરી છે.

