ડાકોરના ગોપાલપુરામાં આવેલા તારાબાઈના બાગ વિસ્તારમાં પુનિત આશ્રમ રોડ પર એક કરૂણ ઘટના બની હતી. ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલા એક મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન દીવાલ ધસી પડતા ડાકોરના જ ૩૨ વર્ષીય યુવાનનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું હતું.

ડાકોરના ગોપાલપુરમાં તારાબાઈના બાગ વિસાતરમાં પુનિત આશ્રમ જવાના માર્ગ પર રોડની સાઈડમાં આવેલું એક મકાન ઘણા સમયથી જર્જરિત હતું. આ અંગે ડાકોર નગરપાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ આપી મકાન ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી. જોખમી મકાનને પગલે માલિક અગાઉ જ મકાન ખાલી કરીને અન્યત્ર રહેવા જતા રહ્યાં હતા અને મકાન તોડવા માટે માલિકે એક કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું.ત્યાર ગુરૂવારે વહેલી સવારથી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા મકાન ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કામગીરી દરમિયાન મકાનની પીઢનો એક ભાગ ખેંચવામાં આવતા ઉપરની દીવાલ અચાનક ધસી પડી હતી. આ સમયે ત્યાં કામ કરી રહેલા મજૂર અમિતભાઈ શનભાઈ માહિડા (ઉં. વ.૩૨, રહે. ભગતજી વિસ્તાર, ડાકોર) દીવાલ નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ દીવાલનો ભાગ ખસેડી અમિતભાઈને બહાર કાઢયા હતા અને રિક્ષા મારફતે ડાકોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરી તપાસ પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો.

