ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ વડોદરામાં પોલીસ ઇન્સ્પેક્ટરના નામે લાંચની માંગણી કરનાર ખાનગી વ્યક્તિ (વચેટિયા) ને લાખોની રકમ સાથે ઝડપી પાડ્યો છે. વારસિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસના નામે નાણાં પડાવતા આ શખ્સની ધરપકડથી વડોદરા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફરિયાદીની વારસિયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 329ની જમીન પર કોઈ અજાણ્યા બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ફરિયાદીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી હતી. આ અરજીના આધારે સામાવાળા વિરુદ્ધ એફ.આઈ.આર. (FIR) નોંધાવવા માટે આ કામના આરોપી સુરેશભાઈ રામચંદ તોલાણી (રહે. મકરપુરા રોડ) એ વારસિયાના PI વસાવા સાહેબના નામે રૂ. ૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

આરોપીએ શરત રાખી હતી કે ફરિયાદ નોંધાવતા પહેલા રૂ. ૨.૫૦ લાખ આપવા અને કામ થયા બાદ બાકીની રકમ ચૂકવવી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલી ‘અનુભવ એન્ટરપ્રાઇઝ’ નામની દુકાનમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જ્યાં આરોપી સુરેશ તોલાણી ફરિયાદી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ. ૨,૫૦,૦૦૦/- સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
અમદાવાદ શહેર એ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ચૌધરી અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. એ.સી.બી.એ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ અધિકારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

