ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ક્રિસમસ બંદોબસ્ત દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર એક શખ્સની આહવા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત:
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ આહવા વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્તમાં હતી. આ દરમિયાન નિલેશ વિનયભાઈ ગાયકવાડ (ઉં.વ. ૫૪, રહે. આહવા, નામના ઈસમે પોતાની ઓળખ ‘દિલ્હી ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારી’ તરીકે આપી હતી. તેણે ફરજ પરના પોલીસ અને હોમગાર્ડના જવાનોને શંકાસ્પદ ઓળખપત્ર બતાવી રુઆબ છાંટવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આહવા પી.આઈ. આર.એસ. પટેલ અને તેમની ટીમે શંકા જતાં આ શખ્સની સઘન પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ‘ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ’ લખેલું આઈકાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેનો હોદ્દો ‘જનરલ સેક્રેટરી (ક્રાઈમ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ)’ દર્શાવ્યો હતો. આ અંગેના જરૂરી દસ્તાવેજો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી નિલેશ ગાયકવાડ સામે BNS કલમ ૨૦૫ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ કામગીરીમાં પી.આઈ. આર.એસ. પટેલ, પી.એસ.આઈ. એસ.બી. ટંડેલ અને અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ખોટી ઓળખ આપી કાયદાનો ભંગ કરનાર સામેની આ કામગીરીને સ્થાનિક સ્તરે બિરદાવવામાં આવી છે.

