વલસાડ જિલ્લા પોલીસે બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીને છેક બિહાર રાજ્યમાંથી પકડી પાડ્યો છે. છેલ્લા બે મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને પકડવા માટે વલસાડ પોલીસના જવાનોએ સાધુનો વેશ ધારણ કરી વેશપલ્ટો કરવો પડ્યો હતો.

ગત તા. ૧૪/૧૦/૨૦૨૫ ના રોજ વાપી ટાઉન પોલીસ મથકે એક પીડિત મહિલાએ આરોપી નુરમહમંદ બદરૂદ્દીન મીયા (મૂળ રહે. બિહાર, હાલ રહે. વાપી) વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે મોબાઈલ ફોન બંધ કરી વતન બિહાર ભાગી છૂટ્યો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડ જિલ્લા પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક બિહારના રોહતાસ જિલ્લામાં મોકલવામાં આવી હતી. આરોપી ખૂબ જ શાતિર હોવાથી વારંવાર ઠેકાણા બદલતો હતો. આથી, વલસાડ પોલીસના જવાનોએ ‘સાધુ’નો વેશ ધારણ કરી આરોપીના રહેણાંક અને છુપા આશ્રય સ્થાનો પર વોચ ગોઠવી હતી.
આ દરમિયાન આરોપીનો નવો મોબાઈલ નંબર હાથ લાગતા વલસાડની ટેકનિકલ ટીમે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. આરોપી તેના વતન દિનારાની બાજુમાં આવેલ કોયસ ગામમાં છુપાયો હોવાની પાકી માહિતી મળતા, પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી નુરમહમંદને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વાપી લાવવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વેશપલ્ટો કરી ગુનેગારને શોધી કાઢવાની વલસાડ પોલીસની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

