આણંદ : ખંભોળ જ પોલીસે સારસા ખાનપુર રોડ ઉપર આવેલા મોટી કેનાલ નજીક વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રીક્ષા ઝડપી પાડી હતી. જેમાંથી પોલીસે વિદેશી દારૂના ૨૮૮ નંગ કવાટારીયા કબજે લીધા હતા. જોકે રિક્ષા ચાલક તથા તેની સાથેનો શખ્સ અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા.

ખંભોળજ પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે વાહન ચેકિંગ ઝુંબેશ અંતર્ગત સારસા ખાનપુર રોડ ઉપર મોટી કેનાલ પાસે વાહન ચેકિંગમાં હતી. દરમિયાન સીલી ગામ તરફથી એક સીએનજી રિક્ષા આવી ચડતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,પોલીસને જોઈ રિક્ષા ચાલકે થોડીક દૂર રિક્ષા ઉભી કરી રિક્ષા ચાલક તથા તેની સાથેનો શખ્સ ખેતરાળ રસ્તે ફરાર થઈ ગયા હતા. પોલીસે રિક્ષામાં તપાસ કરતાં અંદરથી રૂ.૨૮૮૦૦ની વિદેશી દારૂના ૨૮૮ નંગ કવાટરીયા મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ તથા રિક્ષા મળી કુલ રૂપિયા ૯૮૮૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી ફરાર થઈ ગયેલા શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

