બાંગ્લાદેશમાં દિપુ ચંદ્ર દાસ અને અમૃત મંડળની નિર્મમ હત્યાની ઘટનાઓએ ત્યાં રહેતા હિન્દુ સમુદાયને હચમચાવી દીધો છે. સમગ્ર દેશમાં હિન્દુઓ અત્યારે ભારે દહેશત અને આઘાતમાં છે. અલગ-અલગ વિસ્તારોમાં વસતા હિન્દુઓનું કહેવું છે કે તેઓ કટ્ટરપંથી ભીડની હિંસાના પડછાયા હેઠળ જીવી રહ્યા છે અને હવે તેમની પાસે ભારત પાસે મદદ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.

તારિક રહેમાનની સક્રિયતાથી વધતો ફફડાટ
ગુરુવારે આ ડર ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP)ના નેતા તારિક રહેમાનના સમર્થનમાં રાજકીય હિલચાલ તેજ થઈ. તારિક રહેમાન તેમની કટ્ટરપંથી વિચારધારા માટે જાણીતા છે અને હિન્દુ સમુદાય તેમને પોતાના માટે મોટા જોખમ તરીકે જોઈ રહ્યો છે.
અપમાન અને અસુરક્ષા વચ્ચે જીવતા લઘુમતી
મીડિયા અહેવાલ મુજબ રંગપુર, ઢાકા, ચિત્તાગાંગ અને મયમનસિંઘમાં રહેતા હિન્દુઓમાં સૌથી વધુ ફફડાટ જોવા મળી રહ્યો છે. રંગપુરના એક 52 વર્ષીય હિન્દુ રહેવાસીએ જણાવ્યું કે, ‘અમે દરરોજ અમારા ધર્મને કારણે અપમાન સહન કરીએ છીએ, પણ વિરોધ કરવાની હિંમત નથી. રસ્તા પર ચાલતા-ચાલતા જે મેણા-ટોણા મારવામાં આવે છે તે ગમે ત્યારે હિંસામાં ફેરવાઈ શકે છે. અમને બીક લાગે છે કે અમારી હાલત પણ દિપુ કે અમૃત જેવી જ ન થાય. અમે અહીં ખરાબ રીતે ફસાઈ ગયા છીએ અને અમારી પાસે જવા માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી.’તેમણે વધુમાં જણાવ્યું કે BNP સત્તામાં આવશે એ વાતનો તેમને સૌથી મોટો ડર છે, કારણ કે આ પક્ષ લઘુમતીઓ પ્રત્યે દુશ્મનાવટભર્યું વલણ ધરાવે છે. તેમણે પીડા સાથે કહ્યું કે, ‘અમે ભારત જવા માંગીએ છીએ, પણ સરહદો પર સખત સુરક્ષા વ્યવસ્થા છે.’
ઢાકાના અન્ય એક હિન્દુ નાગરિકે કહ્યું કે, ‘દિપુ દાસની હત્યાએ અમને પહેલેથી જ ફફડાવી દીધા હતા. હવે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનની વાપસીએ અમારી ચિંતા વધારી દીધી છે. જો BNP સત્તા પર આવશે, તો સ્થિતિ વધુ ખરાબ થશે. અત્યાર સુધી શેખ હસીનાની આવામી લીગ જ અમારી એકમાત્ર સુરક્ષા કવચ હતી.’
