રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં જેટકો અને પીજીવીસીએલની ભરતીમાં થયેલા કૌભાંડની તપાસના નામે માત્ર નૌટંકી કરવામાં આવી હોવાનો આજે રાજકોટ આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરીને આવતીકાલે રવિવારે પણ યોજાનાર ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતીમાં ગેરરીતિની સંભાવના વ્યક્ત કરીને તટસ્થ તપાસની માંગણી કરી હતી. આ સાથે તેમણે વીજતંત્રમાં ચાલતી ગેરરીતિ-ભ્રષ્ટાચારના કેટલાક પુરાવા પણ જાહેર કર્યા હતા.

તેમણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, જામનગરમાં એપ્રેન્ટિશિપ લાઈનમેનની ૧૨૦ જગ્યા પર ભરતીમાં ૩૫ ખોટા ઉમેદવારો હતા, જેને બદલવા પડયા છે. ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં પણ ભરતી કૌભાંડ થયું છે, પણ તપાસ થઈ નથી. જેટકો પ્લાન્ટ એટેન્ડેન્ટની ૧૫૭ પોસ્ટનું સેટઅપ ન હોવા છતાં ભરતી કરવામાં આવી, જે પણ વિરોધ થતા રદ કરવી પડી છે. ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટની ૧૧૮૨ જગ્યા માટે ભરતીમાં લાગવગ થઈ હોવાનું બહાર લાવતા ફેર-પરીક્ષા લેવી પડી હતી. હવે આવતીકાલે તા.૨૮મીના રવિવારે પીજીવીસીએલની ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતી છે, તેમાં પણ ગેરરીતિ થવાની પૂરી સંભાવના છે. આટલા કૌભાંડો બાદ પણ કાયદાકીય પગલા ભરવાને બદલે માત્ર ખાતાકીય તપાસના નામે બે-ચાર કર્મચારીની બદલી અને સસ્પેન્ડ કરવાનું નાટક જ ચાલે છે.તેમણે વધુમાં કહ્યું કે, જૂનાગઢમાં આજથી ખાનગી જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનનું ૨૭મુ ત્રિવાષક અધિવેશન ચાલુ થયું છે, તેમાં અંદાજે રૂા.૨ કરોડનો તાયફો થશે, જે પણ તપાસ માંગી લે એવો છે. અહીં ખાનગી અધિવેશન માટે અધિકારીઓ સરકારી ગાડીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આ અધિવેશન માટે અલગ અલગ બે ફીડરોમાંથી બે કિલોમીટર લાંબી ૧૧ કિલો વોટની લાઈન નાખવામાં આવી તો તેની પાછળ થયેલો કરોડો રૂપિયાનો ખર્ચ શું પીજીવીસીએલએ વસૂલ કર્યો છે કે નહીં તેમજ અધિકારીઓ રજા મૂકી ગયા છે કે નહીં તેવી બાબતોની તપાસ થવી જોઈએ. આ બાબતે આગામી સમયમાં ઉર્જા મંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

