ક્રિકેટ જગતની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ‘એશિઝ સીરિઝ’ અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાયેલી ચોથી ટેસ્ટ મેચ માત્ર બે દિવસ (6 સેશન)માં જ પૂર્ણ થઈ જતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આર્થિક ફટકો પડ્યો છે. પિચ પરના અતિશય ઘાસ અને બોલરોની ઘાતક બોલિંગ સામે બેટર્સ લાચાર જણાતા મેચનું પરિણામ ગણતરીના કલાકોમાં આવી ગયું હતું.

129 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ક્રિકેટના ઈતિહાસમાં 129 વર્ષ પછી પહેલીવાર એવું બન્યું છે કે એક જ ટેસ્ટ સીરિઝમાં બે મેચ માત્ર બે દિવસમાં સમાપ્ત થઈ હોય. આ પહેલા પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ પણ બે દિવસમાં જ પૂર્ણ થઈ હતી. આ અસાધારણ ઘટનાએ ટેસ્ટ ક્રિકેટની ગુણવત્તા અને પિચની તૈયારીઓ પર સવાલો ઊભા કર્યાં છે.પિચ ક્યુરેટરની ભૂલ અને ICCની કાર્યવાહી
MCGની પિચ પર આ વખતે 10mm ઘાસ રાખવામાં આવ્યું હતું, જે સામાન્ય કરતા 3mm વધુ હતું. મેચની ચારેય ઇનિંગ્સમાં એક પણ ટીમ 200 રનના આંકડા સુધી પહોંચી શકી નહોતી. અહેવાલો મુજબ, આ પિચને ICC દ્વારા ‘સબ-પાર’ રેટિંગ આપવામાં આવી શકે છે, જેના કારણે MCG ને એક ‘ડિમેરિટ પોઈન્ટ’ મળશે.
96 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન
ટેસ્ટ મેચ પાંચ દિવસને બદલે બે દિવસમાં પૂર્ણ થવાથી બ્રોડકાસ્ટર્સ અને ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન થયું છે. MCGમાં પર્થ કરતા 40,000 વધુ સીટો હોવાથી ટિકિટના વેચાણમાં મોટો ફટકો પડ્યો છે. રિપોર્ટ્સ મુજબ, આ મેચ વહેલી પૂરી થવાથી અંદાજે 16 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 96 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જાહેરાતો અને ટેલિકાસ્ટ સમય ઘટવાના કારણે બ્રોડકાસ્ટર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
