લીંબડીના છાલિયા તળાવમાં એક વૃદ્ધ ડૂબ્યા હોવાની આશંકાઓને ધ્યાને લઈને ફાયર ફાયટર ટીમો અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી કોઈ જ પતો ભાળ મળી ન હતી. જેને લઇ પરિવાર ચિંતામાં મૂકાયો હતો.

લીંબડી ખાતે રહેતા વૃદ્ધ ભગવાનભાઈ ધુડાભાઈ ભરવાડ (સભાડ) (ઉ.વર્ષ અંદાજે ૭૦) ગત તા.૨૬ ડિસેમ્બરથી ઘરેથી સાયકલ લઈ ગયા બાદ મોડી રાત સુધી પરત નહી આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહોતી અને અંતે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી તેમજ સોશિયલ મીડિયામાં પણ વિગતો સાથે ગુમ થયાની તસવીર વાયરલ કરી હતી. જે બનાવના બીજે દિવસે લીંબડીના છાલિયા તળાવ પાસે ગુમ થયેલા વૃદ્ધની સાયકલ પડી હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્ર થયા હતા. આ અંગે પરિવારજનોને જાણ કરી હતી. આથી પરિવારજનોએ ઘરેથી ગયા બાદ ગુમ થયેલા વૃદ્ધ તળાવમાં ડૂબ્યા હોવાની આશંકાઓને ધ્યાને લઈને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ટીમ દ્વારા સવારથી વૃદ્ધની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી કોઈ જ પતો લાગ્યો નહોતો. આ બનાવને પગલે પરિવારજનો સહિતનાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

