ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૪૧મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના પાયાના સિદ્ધાંતો અને ભવ્ય ભૂતકાળને યાદ કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા દ્વારા પક્ષના ધ્વજનું સન્માનપૂર્વક આરોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પક્ષની વિચારધારાને વરેલા કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો.

સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન આગેવાનોએ પક્ષના ભવ્ય ઈતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મુંબઈ ખાતે સ્થપાયેલી કોંગ્રેસે દેશની આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એ.ઓ. હ્યુમ દ્વારા સ્થાપિત અને પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજીના નેતૃત્વમાં શરૂ થયેલી આ સંસ્થાએ રાષ્ટ્ર નિર્માણમાં આપેલા બલિદાન અને યોગદાનને સ્મર્યા હતા.વર્તમાન રાજકીય પરિપ્રેક્ષ્યમાં કોંગ્રેસના આગેવાનોએ લોકશાહી મૂલ્યોના રક્ષણ અને બંધારણીય અધિકારોની જાળવણી માટે મજબૂત લડત આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, મહિલા પાંખના સભ્યો અને યુવા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

