અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેસ્ટ બસ બેકાબૂ થઈ પલટી મારી જતાં મુસાફરો સાથે અથડાઈ છે, જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના 29 ડિસેમ્બરના રોજ રાત્રે 10:05 વાગ્યે ભાંડુપ પશ્ચિમના સ્ટેશન રોડ પર બની હતી. બેસ્ટ બસ રિવર્સ પડી રહી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કંટ્રોલ ગુમાવી દીધો હતો અને બસની રાહ જોઈને ઉભેલા મુસાફરોને કચડી નાખ્યા હતા. જેમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે 9 લોકોને ઇજા પહોંચતા તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમોને કરવામાં આવી હતી, જે બાદ તેમણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળાં થઈ જતાં પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી, પોલીસે કયા કારણોસર અકસ્માત સર્જાયો તેની તપાસ શરૂ કરી છે.

