બોડેલી શહેરના ગરબી ચોક વિસ્તારમાં આવેલી ખાતરની દુકાન ખાતે આજે વહેલી સવારથી જ ખાતર મેળવવા આવેલા ખેડૂતોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. ખેતીના મોસમ દરમિયાન ખાતરની વધતી માંગ અને મર્યાદિત પુરવઠાના કારણે દુકાન બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી,

જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન દુકાનદારે અચાનક ટ્રાફિકની સમસ્યાનું કારણ બતાવી દુકાન પર ઉભેલા ખેડૂતોને નજીક આવેલા માર્કેટ યાર્ડ ખાતે જવા જણાવ્યું હતું. દુકાનમાંથી અચાનક સ્થળ બદલવાની સૂચનાથી ખેડૂતોમાં ગેરસમજ ફેલાઈ ગઈ હતી અને માર્કેટ યાર્ડ તરફ જતા રસ્તા પર દોડાદોડી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ દુકાનદારે અચાનક દુકાન બંધ કરી દીધી હતી. દુકાન બંધ થતાં જ ખાતર લેવા આવેલા ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો. અનેક ખેડૂતો દ્વારા દુકાનદારે યોગ્ય આયોજન ન રાખ્યું હોવાનો અને બિનજરૂરી રીતે ખેડૂતોને હેરાન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અગાઉથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત અને ખેડૂતોને સ્પષ્ટ માહિતી આપવામાં આવી હોત તો આવી અફરાતફરી ટાળી શકાત. આ ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને તંત્ર દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર : તોસીફ ખત્રી

