અંકલેશ્વર તાલુકાની મહત્વની એવી ગડખોલ ગ્રામ પંચાયતના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. ₹1.16 કરોડના સરકારી નાણાંની કથિત ઉચાપત કરવાના ગંભીર આક્ષેપ હેઠળ પદભ્રષ્ટ થયેલા સરપંચ મંજુલાબેન પટેલે હાઈકોર્ટના આદેશ બાદ ગતરોજ ૩૦ ડિસેમ્બરે પુનઃ સરપંચ તરીકેનો પદભાર સંભાળી લીધો છે. ત્રણ વર્ષ પૂર્વે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (DSC) કીનો દુરુપયોગ કરી ૪૩ જેટલા કામોના ચૂકવણામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી, જેના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ અને તલાટીને સસ્પેન્ડ કર્યા હતા.

આ સસ્પેન્શનના નિર્ણયને મંજુલાબેન પટેલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. લાંબી કાયદાકીય લડત બાદ હાઈકોર્ટે મંજુલાબેન પટેલની તરફેણમાં ચુકાદો આપી તેમને સરપંચ પદે ફરીથી નિયુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશના પગલે ગતરોજ તેઓ ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા અને વિધિવત રીતે પોતાની જવાબદારી સંભાળી હતી. કથિત ઉચાપતના આક્ષેપો વચ્ચે હાઈકોર્ટના આ સ્ટે ઓર્ડરથી ગડખોલના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. આગામી દિવસોમાં આ કેસની કાયદાકીય પ્રક્રિયા કઈ દિશામાં જશે તેના પર સૌની નજર રહેશે.
