ભેસાણ તાલુકાના ખજૂરી હડમતીયામાં કૃષિ સહાય માટે થયેલી અરજીઓમાં વિસંગતતા જોવા મળતા તાલુકા કક્ષાએથી તપાસ કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ કરેલી તપાસમાં 6 મૃત સહિત 30 ખેડૂતોની ડબલ નોંધણી તેમજ ખોટી સહી અને બોગસ દસ્તાવેજો જોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. મૃત ખેડૂતનો અંગુઠો ઓળખાવવામાં આવ્યો હતો. આ કમિટીએ આપેલા રિપોર્ટ બાદ ફરિયાદ કરવાનો હુકમ થતા આજે ગ્રામ સેવકે ખજૂરી હડમતીયાના વીસીઈ સામે 9.49 લાખની છેતરપિંડીનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાવતા ભેસાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઓક્ટોબર 2025માં ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. ભેસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામમાંથી 14-11-2025 થી 5-12-2025 સુધીમાં થયેલી અરજી અંગેનું તાલુકા કક્ષાએ ચકાસણી થતા તેમાં વિસંગતતા જોવા મળી હતી. ખાતેદાર ખેડૂત જીવરાજભાઈ રામજીભાઈ સતાસીયાનું અવસાન થયું હોવા છતાં તેના નામે થયેલી અરજીમાં અંગુઠો મારી ઓળખાવ્યો હતો. આધારકાર્ડ નંબર વીસીઈ જયેશ રામજી ખંખાળીયાએ એડીટ કરી પોતાના નંબર નાખી દીધા હતા. જ્યારે અન્ય અરજીઓમાં પણ અમુક ખેડૂતની ડબલ નોંધણી થઈ હતી તેમજ અમુક ખેડૂતની ખોટી સહી તથા દસ્તાવેજ જોડવામાં આવ્યા હતા. આ બાબત ધ્યાનમાં આવતા ગ્રામસેવક દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ તપાસ કરતા છ મૃત ખેડૂતોના નામે તેમજ 12 અરજી બે વખત અને અન્ય અરજીઓમાં બોગસ સહી તેમજ અન્યના આધારકાર્ડ, પાસબુક જોડવામાં આવ્યાનું સામે આવ્યું હતું. આ અંગેનો રિપોર્ટ જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યો હતો. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ગ્રામસેવકને ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આજે ભેસાણ તાલુકા પંચાયતના ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવિણભાઈ કથીરીયાએ વીસીઈ જયેશ રામજી ખંખાળીયા સામે ખોટી અરજીઓ તેમજ બનાવટી સહી કરી 9,49,370 ની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ કરતા ભેસાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

