થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૃનો નશો કરી છાકટા બનતા તત્વો પર સકંજો કસવા માટે પોલીસ દ્વારા ત્રણ દિવસથી રોજ રાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દારૃના ૧૫૦થી વધુ કેસ કરવામાં આવ્યા છે.

આજે થર્ટી ફર્સ્ટની સાંજથી જ પોલીસે શહેરના ૧૧ એન્ટ્રી પોઇન્ટ તેમજ જુદાજુદા વિસ્તારોમાં ૫૫ જેટલા સ્થળોએ નાકાબંધી કરીને વાહનચેકિંગ કરવામાં આવ્યું હતું.તો બીજીતરફ અવાવરૃ સ્થળોએ પણ પોલીસની વાન પેટ્રોલિંગ કરતી હતી.
સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ ખાતેથી પણ સીસીટીવી કેમેરા મારફતે એક ટીમ દ્વારા નીગરાણી રાખવામાં આવતી હતી.પોલીસે બે દિવસ પહેલાં દારૃના ૪૭ અને ગઇકાલે ૭૦ કેસ કર્યા હતા. જ્યારે આજે પણ આવા કેસ ચાલુ રાખવામાં આવ્યા છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન રાત્રે ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારમાં ભારે ભીડ જામી હતી.જ્યારે ખાણી પીણી માટે પણ હોટલ-રેસ્ટોરાંમાં લાંબું વેઇટિંગ લિસ્ટ જોવા મળ્યું હતું.આમ,લોકોએ થર્ટી ફર્સ્ટની મનમૂકીને ઉજવણી કરી નવા વર્ષને વધાવ્યું હતું.
દારૃના નશામાં જોખમી ડ્રાઇવિંગ કરતો ડમ્પર ચાલક પકડાયો
શહેર પોલીસ દ્વારા જુદાજુદા પોઇન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે દુમાડ ચેકપોસ્ટ પાસે ગઇરાત્રે એક ડમ્પર પૂરઝડપે અને બેફામ રીતે આવી રહ્યું હોવાથી સમા પોલીસે તેને અટકાવી ડ્રાઇવરની તપાસ કરતાં તે દારૃના નશામાં જણાઇ આવ્યો હતો.જેથી પોલીસે દારૃ નો નશો કરી ડ્રાઇવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકવા બદલ ગુનો નોંધી પ્રવિણ પ્રતાપભાઇ સોલંકી (રાતડીયા, તા.ડેસર)ની ધરપકડ કરી વાહન કબજે લીધું હતું.

