GUJARAT : સૌરાષ્ટ્રમાં કમોસમઃ રાજકોટ, દ્વારકા સહિત સ્થળે પાણી ભરાયા : ખેડૂતોમાં ચિંતાનું મોજુ

0
50
meetarticle

આખો ડિસેમ્બર એક છાંટો પણ ન આવ્યો,પોણા બે માસથી સુકુ હવામાન ત્યારે આજે પાકિસ્તાન-અફઘાનિસ્તાન ઉપર વરસાદ લાવે તેવા ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પશ્ચિમી વિક્ષોભની તીવ્ર અસરથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી એક તરફ જનજીવનને વ્યાપક અસર થઈ હતી તો કૃષિપાક બગડવાની ચિંતા ખેડૂતોમાં જન્મી હતી.  સવારે ઠંડી,બપોરે ગરમીનો અનુભવ તો દોઢ માસથી સતત થઈ રહ્યો છે તેમાં આજે વરસાદથી શિયાળો,ઉનાળો,ચોમાસુ એમ ત્રિવિધ ઋતુનો અનુભવ થયો હતો.  રાજકોટ શહેરમાં ૯ મિ.મિ. અને જામનગર ગ્રામ્ય પંથકમાં આશરે અર્ધો ઈંચ તથા જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જેતપુર પંથકમાં વરસાદ નોંધાયો છે. કચ્છના રાપરમાં અને બાકીના ગુજરાતમાં માત્ર બનાસકાંઠાના વાવ પંથકમાં ઝાપટાં નોંધાયા હતા. 

રાજકોટ,દ્વારકા સહિતના સ્થળે ભરશિયાળે ચોમાસાની જેમ પાણી વહેતા થયા હતા.  સ્વેટર સાથે રેઈનકોટનો સંગમ જોવા મળ્યો તો  વરસાદથી અનેક નાગરિકોએ નાછૂટકે પલળવું પડયું હતું. ગૃહિણીઓમાં સુકાતા કપડા ઉતારવા, વેપારીઓમાં માલસામાન ઢાંકવા દોડધામ થઈ હતી.કાર્યક્રમો ખોરવાયા હતા તો વરસાદના પગલે કૃષિ-વનસ્પતિમાં તેમજ માણસોમાં મચ્છરજન્ય,વાયરલ રોગચાળો વધવાની પણ ભીતિ સર્જાઈ છે. 

આશરે પચાસ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં એકધારું સુકુ અને સૂર્યપ્રકાશિત હવામાન રહ્યું છે. જેના પગલે કૃષિજણસી સહિતના સોદા તેમજ અન્ય વ્યાપારી અને સામાજિક, રાજકીય, ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનો ધમધમાટ પરાકાષ્ટાએ પહોંચી રહ્યો હતો. આ ટાણે જ આજે તીવ્ર ઠંડીના માસ પોષ સુદ-12 અને ઈ.સ. 2025ના અંતિમ દિવસે અચાનક વરસેલા વરસાદે લોકપ્રવૃતિના ઉત્સાહ ઉપર ઠંડુ પાણી રેડયું છે. 

સૌરાષ્ટ્રમાં ઠેરઠેરથી અહેવાલો મૂજબ (1) જેતપુર પંથકમાં રાયડો,જીપરુ,એરંડા,ઘંઉ,ચણાના વ્યાપક વાવેતર વચ્ચે આજે કમોસમી વાદળો એ ખેડૂતો માટે શિયાળુ પાક પર સંકટના વાદળો સમાન વરસ્યા હતા. (૨) જામનગરમાં વરસાદી છાંટા અને સમાણારોડ,નારણપુર,દડીયા, લાલપુર અને ખંભાળિયા રોડ પરના ગામડામાં અર્ધાથી એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. (૩) પોરબંદરમાં  સવારે ઠંડીમાં ગરમવસ્ત્રો પહેરીને નીકળેલા નાગરિકોને કમોસમના વરસાદનો સામનો કરવો પડયો હતો. તૈયાર કૃષિપાકમાં રોગચાળાનો ભય સર્જાયો છે.  પોરબંદર યાર્ડમાં માવઠાંના પગલે તા. 1થી 3 જાન્યુઆરી અનાજ વિભાગમાં આવક બંધ કરાયેલ છે. (4) પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં વર્ષના અંતિમ દિવસોમાં યાત્રિકોનો ધસારો રહે છે ત્યારે જ આજે  બપોરે બે વાગ્યે કમોસમી વરસાદથી માર્ગો પર નદી વહેતી હોય તેમ પાણી વહેતા થયા હતા ,દ્વારકા આસપાસ સ્થળોએ તીવ્ર પવન સાથે વરસાદથી (5) દ્વારકા જિ.ના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના હંજડાપર,મોવાણ, સોનારડી, દાત્રાણા, જુવાનપુર સહિત ગામોમાં માવઠાં વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી હતી. (6) મોરબી જિ.માં ટંકારાના ગ્રામ્ય વિસ્તાર બંગાડવડી, સાવડી, સરાયા નેસડા, સુરજી, દેવળીય તથા હળવદના ઘનશ્યામપુર, સોયબા,ઢવાણા,દિઘડીયામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ હતી. (7) જુનાગઢ પંથકમાં માળિયા હાટીના તાલુકાના જલંધર,વડીયા સહિત ગામોમાં તેમજ માંગરોળ વિસ્તારમાં આજે બપોર બાદ કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા હતા. (8) રાજકોટ-જામનગર હાઈવે પર પડધરી સુધીના માર્ગ પર પણ તેમજ અન્યત્ર પણ હળવા-ભારે ઝાપટાં વરસ્યાના અહેવાલો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here