વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં. 16નું દુધિયા તળાવ ફરી એકવાર વિવાદે ચડ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં સોમા તળાવ રોડના વોર્ડ નં. 16માં હનુમાન ટેકરી પાસે દુધિયા તળાવ આવેલું છે આ સમગ્ર તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળવા સહિત ગંદકી પણ જોવા મળી રહી છે. પરિણામે વિસ્તારમાં ભારે ગંદકી સહિત મચ્છરોનો ત્રાસ ફેલાયો હતો. આ તળાવની જંગલી વનસ્પતિ સહિત સહિત સાફ-સફાઈ માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ તળાવની જંગલી વનસ્પતિ અને ગંદકીની સાફ સફાઈ કરતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા તારાપા પર પાંચ-સાત વર્ષના બાળકને પણ સાથે રાખવામાં આવ્યો હતો. જો સફાઈની આ કામગીરી દરમિયાન આકસ્મિક રીતે બાળક તળાવમાં પડી જાય તો તે અંગેની જવાબદારી કોની? એવો સામાન્ય પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો હતો. આ અંગે સામાજીક કાર્યકરે કરેલી પૂછપરછમાં કોન્ટ્રાક્ટરે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા સ્થાનિકો ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે પાલિકા તંત્ર કોઈ એક્શન લેશે કે કેમ? એવો સવાલ ઉપસ્થિત થયો હતો.

