આજની યુવા પેઢી માત્ર મોજ- મસ્તી સુધી સીમિત નથી પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ સમજી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન શ્રીમાલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી. આર. ગોઢાણીયા કોલેજના સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું.
બી.એસ.ડબલ્યુ. તથા એમ.એસ. ડબલ્યુ.ના વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે ૧૯,૩૩૦ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સેવા કાર્ય હાથ ધર્યું હતું. જેમાં પોરબંદર સ્થિત સ્પેશિયલ હોમ ફોર બોયઝ, શિશુકુંજ સંસ્થા તેમજ સ્લમ એરિયાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી કીટ, હાઇજેનિક કીટ અને નાસ્તા ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સાથે સંકલન સાધી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા જરૂરિયાત મંદ દર્દીઓને એક સમયનું ભોજન તથા લેડી હોસ્પિટલમાં પ્રસુતાઓને પોષણયુક્ત આહાર(શીરો) આપી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ રાણા-ખીરસરા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ફળફળાદિ વિતરણ કરી વિદ્યાર્થીઓએ આખો દિવસ તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આનંદભર્યો સમય પસાર કર્યો હતો.
બી.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-૨ના વિદ્યાર્થીઓએ પ્રોફેસર જલ્પાબેન ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં દર્દીઓ અને પ્રસુતા ઓને ભોજન સેવા આપી હતી.
બી.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓએ પ્રોફેસર કમલેશ જાદવના માર્ગદર્શન હેઠળ વૃદ્ધાશ્રમમાં ભજન-કીર્તન અને સંવાદ સાથે ફળ વિતરણ કર્યું હતું.
બી.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓએ પ્રોફેસર નીતા દુધરેજીયાના માર્ગદર્શન હેઠળ શિશુકુંજ સંસ્થામાં બાળકો સાથે બાળગીતો, વાર્તાઓ, રમતો અને નાસ્તા-સ્ટેશનરીનું વિતરણ કર્યું હતું.
એમ.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-૨ના વિદ્યાર્થીઓએ પ્રોફેસર માધુરી લાખાણીના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં બાળકો સાથે શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓ યોજી હતી.
એમ.એસ.ડબલ્યુ. સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓએ પ્રોફેસર આરતી થાનકીના માર્ગદર્શન હેઠળ વી.વી. બજાર વિસ્તારના સ્લમ એરિયામાં સ્વચ્છતા, વ્યસન મુક્તિ અને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપી બાળકોને હાઇજેનિક કીટ, સ્ટેશનરી કીટ અને નાસ્તો આપ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 ડિસેમ્બરની ઉજવણીને મોજ-મસ્તી અને ડાન્સ પાર્ટીના બદલે સેવા, સંવેદના અને સમાજકાર્ય દ્વારા ઉજવવા બદલ વિદ્યાર્થીઓના આ ઉમદા કાર્યને સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, બી.એડ. qકોલેજના પ્રિન્સિપાલ ડો. હીનાબેન ઓડેદરા, ડાયરેક્ટર ડો. એ. આર. ભરડા, ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર રણમલભાઈ કારાવદરા તથા તમામ સ્ટાફગણે ખૂબ પ્રશંસા કરી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

