વિરમગામના મૂનસર રોડ વિસ્તારમાં પીવાના પાણીનો બેફામ બગાડ કરી જાહેર રોડ પર પાણી વહેવડાવતા પાંચ આસામીઓ સામે નગરપાલિકાએ કાર્યવાહી કરી છે. તંત્રે શિસ્તભંગના પગલાં રૃપે આ આસામીઓના ઘર વપરાશના પાણીના કનેક્શન કાપી નાખ્યા છે.

શહેરના મૂનસર રોડ પર લાંબા સમયથી પીવાના પાણીનો વેડફાટ થતો હોવાના અહેવાલ બાદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જાહેર રોડ પર પાણી વહેડાવવાને કારણે રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને જૈન સાધુ-સંતોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ બાબતે અગાઉ સૂચના આપવા છતાં બગાડ ચાલુ રહેતા પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ચીફ ઓફિસરના આદેશથી સેનેટરી ટીમ અને પીડબ્લ્યુડીના મજૂરોએ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પાણીનો બગાડ કરતા પાંચ આસામીઓના ઘર વપરાશના નળ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકા તંત્રએ ચીમકી આપી છે કે આગામી દિવસોમાં પણ જો કોઈ જાહેર માર્ગો પર પાણીનો વેડફાટ કરતા ઝડપાશે, તો તેમના કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

