વર્ષ ૨૦૨૬ના પ્રારંભે જ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ સુરત જિલ્લાના કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના વરેલી બીટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શીતલભાઇ નટવરભાઇ પ્રજાપતિ (ઉ.વ. ૫૦) રૂપિયા ૩૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે.

બનાવની વિગત મુજબ, આ કેસના ફરિયાદી અગાઉ દારૂનો વ્યવસાય કરતા હતા, પરંતુ હાલમાં આ ધંધો બંધ હોવા છતાં હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિએ તેમની પાસે નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જે બાદ નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. રાઠવા અને તેમની ટીમે કડોદરાના અંત્રોલી ગામ પાસે ભૂરી ફળિયાના જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. હેડ કોન્સ્ટેબલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹૩૦,૦૦૦ની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ સમગ્ર કામગીરી સુરત એ.સી.બી.ના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી.

