ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીર બાળકીઓ વિરુદ્ધના અપરાધમાં કાયદાની કડકાઈ બતાવતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ, આરોપીએ પોતાની પરણિત પ્રેમિકાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી હતી અને બાદમાં બાળકીને વેચી દેવાનું પણ અધમ કાવતરું રચ્યું હતું.

પીડિત બાળકી લાંબા સમય સુધી ડરના ઓથાર હેઠળ જીવતી હતી, પરંતુ આખરે હિંમત દાખવી તેણે પોતાની ફોઈને આપવીતી જણાવતા સમગ્ર મામલો ૨૪ માર્ચ ૨૦૧૯ના રોજ પોલીસ મથકે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન પીડિતાની માતાને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવી હતી, પરંતુ નક્કર પુરાવાના અભાવે કોર્ટે માતાને નિર્દોષ જાહેર કરી છે. સરકારી વકીલ પી.બી. પંડ્યાની ધારદાર દલીલો, મેડિકલ રિપોર્ટ્સ અને પીડિતાની જુબાનીને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને સમાજ માટે ખતરો ગણાવી આકરો દંડ અને જેલની સજા સંભળાવી છે.
