આગામી ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગની દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે મહીસાગર જિલ્લામાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા એક મહત્વપૂર્ણ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લુણાવાડાના ચારકોશીયા નાકા ટ્રાફિક પોલીસ ચોકી પાસે મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ, એઆરટીઓ (ARTO) અને મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફિન હસનની અધ્યક્ષતામાં વાહનચાલકોને સુરક્ષા માટે ‘સેફ્ટીગાર્ડ’ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ઉત્તરાયણ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે અનેક વાહનચાલકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અને કેટલીકવાર દુર્ઘટનામાં જાનહાનિ પણ થતી હોય છે. આવી ગંભીર ઘટનાઓને ટાળવા અને લોકો સુરક્ષિત રીતે તહેવાર મનાવી શકે તે હેતુથી આ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી. સફિન હસને જિલ્લાવાસીઓને ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્ણ અને સાવચેતીપૂર્વક ઉજવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકે પ્રતિબંધિત અને જીવલેણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં, દ્વિચક્રી વાહનચાલકોએ (બાઈક/સ્કૂટર) પોતાના વાહનો પર આગળના ભાગે સેફ્ટીગાર્ડ (સળિયો) અવશ્ય લગાવવો, વાહન ચલાવતી વખતે ગળાના ભાગે મફલર અથવા સ્કાર્ફ વીંટાળીને રાખવું જેથી દોરીથી બચી શકાય.
આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પી એસ આઈ શક્તિસિંહ ઝાલા, આરટીઓ ઈન્સ્પેકટર મયુર પટેલ, આરટીઓ ઈન્સ્પેકટર એસ પી ચુડાસમા, મહાકાલ સેનાના જશપાલસિંહ સહિત મહાકાલ સેનાના સદસ્યો, ટ્રાફિક સ્ટાફ, એઆરટીઓ સ્ટાફ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વાહનચાલકોને સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા.
