સંબંધોમાં વાદ-વિવાદ, મીઠી તકરાર અને ફરિયાદો એ જીવંત હોવાની નિશાની છે. ખાસ કરીને એક સ્ત્રી જ્યારે ફરિયાદ કરે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તેને હજુ પણ સામેની વ્યક્તિ પાસે અપેક્ષા છે, તેને હજુ પણ સંબંધમાં સુધારો લાવવાની આશા છે. પણ એક સમય એવો આવે છે જ્યારે તે સંપૂર્ણપણે મૌન થઈ જાય છે.
અપેક્ષાઓનો અંત અને લાગણીઓનો થાક સ્ત્રી ત્યાં જ હક જતાવે છે જ્યાં તેને લાગે છે કે તે સાંભળવામાં આવશે. શરૂઆતમાં તે લડે છે, રડે છે અને પોતાની વાત સમજાવવા મથે છે. પણ જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવે, ત્યારે તે માની લે છે કે હવે કંઈ બદલાવાનું નથી. આ સ્થિતિમાં તે પોતાની શક્તિ વેડફવાનું બંધ કરી દે છે. આ મૌન શાંતિનું પ્રતીક નથી, પણ એક પ્રકારના વિરામ અથવા માનસિક અંતરનું સૂચક છે. ભાવનાત્મક જોડાણ નું તૂટવું (Emotional Detachment)
ફરિયાદ એ પ્રેમનું એક રૂપ છે. આપણે એની જ પાસે હક જતાવીએ છીએ જેને આપણે આપણા માનીએ છીએ. જ્યારે સ્ત્રી મનથી એ વ્યક્તિથી દૂર થઈ જાય છે, ત્યારે તે ફરિયાદ કરવાનું પણ જરૂરી સમજતી નથી. તેનું મૌન એ સંકેત છે કે હવે તેણે સામેની વ્યક્તિ પર માનસિક રીતે નિર્ભર રહેવાનું છોડી દીધું છે. તે હવે પોતાની ખુશીઓ અન્ય વસ્તુઓમાં શોધવા લાગે છે.
સેલ્ફ-રિસ્પેક્ટ અને આંતરિક શક્તિ .વારંવાર એકની એક વાત માટે કરગરવું કે ઝઘડવું તે સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. પોતાનું ગૌરવ જાળવી રાખવા માટે તે મૌનનો રસ્તો પસંદ કરે છે. તે સમજી જાય છે કે “જ્યાં
શબ્દોની કિંમત નથી, ત્યાં મૌન જ ભલું.” તે પોતાની બાકી બચેલી શક્તિ હવે પોતાની જાતને સાચવવામાં વાપરવા માંગે છે.
ધારો કે એક પત્ની તેના પતિને રોજ ફરિયાદ કરે છે કે, “તમે મને સમય નથી આપતા.” જો પતિ વર્ષો સુધી આ વાતને
નજર અંદાજ કરે, તો એક દિવસ પત્ની કહેવાનું બંધ કરી દેશે. પતિને લાગશે કે “હવે શાંતિ છે,” પણ વાસ્તવમાં પત્નીએ હવે પતિ પાસેથી સમયની આશા રાખવાનું જ છોડી દીધું હશે. તે પોતાની દુનિયા અલગ બનાવી લેશે, જેમાં પતિની હાજરી હોવા છતાં તેની ખોટ તેને નહીં સાલે.
બોલતી સ્ત્રી કરતાં મૌન સ્ત્રી વધારે ખતરનાક હોય છે, કારણ કે તેના શબ્દો કાનમાં વાગે છે પણ તેનું મૌન હૃદયને ચીરી નાખે છે.
પુરુષોએ ઘણીવાર સ્ત્રીના મૌનને “સમજદારી” અથવા “શાંતિ” માની લેવાની ભૂલ કરે છે. પરંતુ વાસ્તવમાં, સ્ત્રીનું મૌન એ ભયજનક વળાંક છે. જો તમારી આસપાસની કોઈ સ્ત્રી અચાનક ફરિયાદ કરવાનું બંધ કરી દે, તો રાજી થવાને બદલે તેની પાસે જઈને બેસજો. તેને સાંભળવાનો પ્રયત્ન કરજો, કારણ કે એ મૌન એ દુનિયાની સૌથી મોટી બૂમ છે. જો તમે સમયસર એ બૂમ નહીં સાંભળો, તો કદાચ તમે હંમેશા માટે એક શુદ્ધ હૃદયને ખોઈ બેસશો.

લેખિકા – દર્શના પટેલ નેશનલ મેડાલિસ્ટ
