આમ આદમી દ્વારા ગુજરાત જોડો જનસભા ડભોઈ તાલુકાના પણશોલી ખાતે જાહેર સભા રાખવામાં આવી હતી આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ડભોઇ તાલુકાના પણસોલી ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જાહેર સભા રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જનસમર્થન મજબૂત બનાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે.
જાહેર સભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય તથા આદિવાસી નેતા ચૈતર વસાવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, છોટાઉદેપુર લોકસભાના પ્રભારી મુકેશભાઈ બારીયા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સહિત આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ડભોઇ તાલુકામાં યુવા પેઢી દારૂ અને ડ્રગ્સના રવાડે ચઢી રહી છે અને ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવા છતાં સત્તાધીશો આંખ મીંચી બેઠા છે. તેમણે જણાવ્યું કે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે રાજકારણમાં પરિવર્તન લાવવું જરૂરી છે અને આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની અપીલ કરી હતી.

આ જાહેર સભા દરમિયાન સીમાળિયા જિલ્લા પંચાયત વિસ્તારના ભાજપ અને કોંગ્રેસના 150થી વધુ યુવાનો તથા બહેનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાણ કર્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો તેમજ સ્થાનિક નાગરિકોની હાજરીએ સભાને વધુ બળ આપ્યું હતું.
આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ જાહેર સભા ડભોઇ તાલુકાની રાજકીય સ્થિતિમાં મહત્વપૂર્ણ વળાંક લાવનારી સાબિત થઈ શકે છે, તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

