બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી ત્યાં વસતા હિન્દુઓ પર હુમલા અને ત્રણ વ્યક્તિઓને જીવતી સળગાવી દેવાની કે લટકાવીને મોતને ઘાટ ઉતારવાની ઘટના બન્યા બાદ ભારતમાં બાંગ્લાદેશ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે હવે આ હિંસાની અસર ક્રિકેટ મેચ પર પણ થઈ છે. બાંગ્લાદેશના રમત-ગમત સલાહકાર આસિફ નજરૂલે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, ‘બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ બેઠકમાં નિર્ણય લીધો છે કે, બાંગ્લાદેશનની ટીમ ભારતમાં યોજાનાર ICC ટી20 વર્લ્ડકપ 2026માં નહીં રમે.’ હવે જોવાનું એ છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) આ મામલે શું નિર્ણય લે છે, કારણ કે આઈસીસી જ મોટા ઈવેન્ટના શેડ્યૂલ તૈયાર કરે છે.

બાંગ્લાદેશ બોર્ડે BCCI પર સાધ્યું નિશાન
આસિફ નજરૂલે ફેસબુક પર લખ્યું છે કે, ‘બાંગ્લાદેશન ટીમ વર્લ્ડ કપની મેચો રમવા માટે ભારત નહીં જાય. બીસીબીએ ચોથી જાન્યુઆરીએ નિર્ણય લીધો છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) આક્રમક સાંપ્રદાયિક નીતિઓ અપનાવ્યા બાદ બીસીબીએ નિર્ણય લઈને જવાબમાં બીસીસીઆઈને જવાબ આપી દીધો છે.’
બાંગ્લાદેશી બોલરનો ભારતમાં વિરોધ થયા બાદ BCBએ લીધો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, IPL-2026 માટે શાહરુખ ખાનની કોલકાતા કિંગ્સ રાઈડર્સ (KKR)ની ટીમમાં બાંગ્લાદેશી બોલર મુસ્તાફિજુર રહમાન (Mustafizur Rahman)નો સમાવેશ કરાયો હતો. જોકે શાહરુખ, કેકેઆર અને રહમાનનો ચોતરફ વિરોધ થયા બાદ છેવટે બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે, મુસ્તાફિજુરને આગામી આઈપીએલ રમવા માટે ભારત આવવાની મંજૂરી નહીં મળે. આ નિર્ણય બાદ બાંગ્લાદેશે પણ આક્રમક વલણ અપનાવીને બાંગ્લાદેશી ટીમને ભારત ન મોકલવાનો નિર્ણય લીધો છે.
KKRએ મુસ્તાફિજુરને 9.20 કરોડમાં ખરીદ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે ગયા મહિને યોજાયેલ આઈપીએલ ઓક્શનમાં મુસ્તાફિજુરને 9.20 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ ભારતમાં કેટલાક ધાર્મિક અને રાજકીય સંગઠનોએ બાંગ્લાદેશી ખેલાડીને આઈપીએલમાં રમાડવા મામલે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ બીસીસીઆઈએ મુસ્તાફિજુરે પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો છે.
બાંગ્લાદેશની કોલકાતા અને મુંબઈમાં રમાનારી મેચો પર સંકટ
T20 વર્લ્ડકપ-2026નાં શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશની મેચો કોલકાતા અને મુંબઈમાં યોજાવાની છે. નિર્ધારીત શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશની પ્રથમ મેચ સાતમી ફેબ્રુઆરીએ ઈડન ગાર્ડ્રનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમવાની છે. જોકે વર્તમાન પરિસ્થિતિના કારણે આ મેચો મામલે મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ છે.

